વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચે બે દિવસથી ચાલી રહેલા સીમા વિવાદનો આ વિસ્તારના ગામડાઓને ખાસ્સો ફાયદો થયો છે. સરહદ પર રહેલા ૮૬૫ ગામના સર્વાંગી વિકાસ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કમર કસી છે અને તેમને મુખ્ય પ્રધાનના ભંડોળમાંથી આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ સરહદી વિસ્તારમાં આવેલા ૮૬૫ ગામમાં આવેલી સામાજિક, શૈક્ષણિક, સખાવતી, સાંસ્કૃતિક અને અર્ધ-સરકારી સંસ્થા અને સંગઠનોને મુખ્ય પ્રધાનના ચેરિટેબલ ડોનેશન ફંડમાંથી સહાય આપવામાં આવશે.
સીમા પ્રશ્ર્ને થોડા દિવસ પહેલાં સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં થયેલી એક બેઠકમાં આ વિસ્તારના મરાઠી બંધુઓ તેમ જ સંસ્થાને મહારાષ્ટ્ર તરફથી આર્થિક સહાય આપવા માટેની ભલામણ કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન ચેરિટેબલ ડોનેશન ફંડમાંથી મુખ્ય પ્રધાન સ્વેચ્છાધિકારથી રાજ્યની વિવિધ સંસ્થા, સંગઠનોને આર્થિક મદદ કરી શકે છે. નવા સરકારી આદેશમાં આમાં સુધારો કરીને હવે સીમા વિસ્તારના ૮૬૫ ગામને પણ આ જ ભંડોળમાંથી સહાય આપવામાં આવસે.
મુખ્ય પ્રધાન ભંડોળમાંથી આવતા વર્ષ માટે એટલે કે ૨૦૨૩-૨૪ માટે કુલ રૂ. ૧૦ કરોડની ફાળવણી કરવામાં આવશે એમ પણ આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.