પિટબુલે તેના માલિક પર કર્યો જીવલેણ હુમલો, સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત

દેશ વિદેશ

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પિટબુલના હુમલાની જે ઘટના સામે આવી છે તે અત્યંત ભયનાક છે. પિટબુલે 80 વર્ષીય વૃદ્ધા સુશીલા ત્રિપાઠીને આંખા શરીરમાં બચકા ભરીને તેની હત્યા કરી નાખી છે.
પાડોશીઓનો દાવો છે કે પીટબુલે પૂરી તાકાતથી હુમલો કરતા વૃદ્ધાના શરીરનું માંસ પણ બહાર આવી ગયું હતું, જેને પિટબુલે ખાધુ છે. આ બનાવને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છે.
લખનઉના બંગાલી ટોલાની રહેવાસી સુશીલા ત્રિપાઠી પર તેના જ પિટબુલ ‘બ્રાઉની’એ મંગળવારે સવારે હુમલો કરી દીધો હતો. દરરોજની જેમ નિવૃત્ત શિક્ષિકા સુશીલા ત્રિપાઠી તેના પિટબુલ બ્રાઉની અને લેબ્રાડોરને લઇને ટહેલવા માટે નીકળી હતી. આ દરમિયાન પિટબુલે અચાનક સુશીલા ત્રિપાઠી પર હુમલો કર્યો હતો.
પિટબુલે પૂરી તાકાતથી સુશીલા ત્રિપાઠી પર હુમલો કર્યો અને શરીર પર અનેક જગ્યાએ બચકા ભર્યા. એક પાડોશીએ જણાવ્યુ હતું કે સુશીલાનો ચિલ્લાવવાનો અવાજ આવતા તે દોડીને બહાર આવ્યા હતા. એ સમયે તે લોહીથી લથપથ નીચે પડી હતી. બનાવ બાદ સુશીલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, પણ ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
ગયા વર્ષે કોરોનામાં મહિલાના પતિનું નિધન થઇ ગયું હતું. એ પછી મહિલા જ આ બંને શ્વાનની સંભાળ રાખતી હતી. તેમને નવડાવવાથી લઇને ખવડાવવા અને બહાર આંટો મારવા માટે લઇ જવાનું કામ તે જ કરતી હતી. આ મહિલા લેબ્રાડોરથી વધારે પિટબુલને વધુ પ્રેમ કરતી હતી. પિટબુલ રાત્રે આ મહિલાના રૂમમાં જઇને જ સૂતો હતો. જોકે, મંગળવારે સવારે તેણે અચાનક મહિલા પર હુમલો કરી દીધો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.