માતા પર થઇ રહેલો અત્યાચાર સહન નહીં કરી શક્યો આઠ વર્ષનો પુત્ર, પિતા સામે FIR નોંધાવવા પહોંચ્યો પોલીસ સ્ટેશન

અવર્ગીકૃત દેશ વિદેશ

મહિલાઓ પર થતા અત્યાચાર અંગે ઘર, પરિવાર, સમાજ બધા જ આંખ આડા કાન કરવાનું વલણ અપનાવે છે. કોઇક વિરલાઓ જ આગળ વધીને મહિલાઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે. ઘણા લોકો એવું વિચારીને પાછા ફરે છે કે આ કોઈની અંગત બાબત છે અને આપણે શા માટે દખલ કરવી જોઈએ. જ્યારે આવા કિસ્સાઓમાં આગળ આવીને આપણો અવાજ ઉઠાવવો જોઈએ, જેથી અત્યાચારનો સામનો કરી રહેલી તમામ મહિલાઓને પીડા અને યાતનામાંથી મુક્તિ મળી શકે.
આવું જ એક ઉદાહરણ તેલંગાણાના 8 વર્ષના છોકરાએ સ્થાપિત કર્યું છે. આ બાળકે તેની માતા પર થયેલા અત્યાચાર સામે પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો હતો અને પોલીસને અરજી કરી હતી કે તેની માતાને અત્યાચાર અને હેરાનગતિમાંથી તાત્કાલિક મુક્તિ આપવામાં આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
તેલંગાણાના રાજન્ના સરસિલ્લા જિલ્લાનો ત્રીજા ધોરણમાં ભણતો 8 વર્ષનો બાળક તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બાળકનો આરોપ છે કે તેના પિતા દારૂ પીને ઘરે આવે છે અને દરરોજ તેની માતાને મારતા હોય છે. માતાને વારંવાર માર મારતી જોઈ બાળક સહન ન કરી શક્યો અને પોલીસ સ્ટેશનના પહોંચ્યો હતો. તેણે સૌથી પહેલા 100 નંબર ડાયલ કરીને પોલીસને મામલાની જાણ કરી હતી. આ મામલે કોઈ કાર્યવાહી ન થતાં બાળકે એક કિલોમીટર ચાલીને પોલીસ સ્ટેશન જઈને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પિતાને પોલીસ સ્ટેશન બોલાવીને કાઉન્સેલિંગ કર્યું, જેથી તે દારૂ પીને બાળકની માતા પર ફરીથી હાથ ન ઉપાડે અને ઘરેલુ હિંસા ન કરે.
બાળકના આ પગલાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. બાળકની હિંમતની ગાથા રાજ્યભરમાં ગુંજી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.