લગ્નની શરણાઈઓ મોતનાં આક્રંદમાં બદલાઈ ગઈ! એક જ પરિવારનાં આઠ લોકોનાં મોત

દેશ વિદેશ

રાજસ્થાનના બાડમેરમાં કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થતા લગ્નની ખુશીઓ માતમમાં બદલાઈ ગઈ હતી. હવે માત્ર રડવાનો અવાજ સંભળાય છે. સોમવારે થોડા સમય પહેલા સુધી ઉજવણી કરી રહેલા પરિવારમાં હવે માત્ર આક્રંદ જ સંભળાય છે.

આ ભયાનક માર્ગ અકસ્માત સોમવારે મોડી રાત્રે ગુધામલાની વિસ્તારના મેગા હાઇવે પર આવેલા બીટા ગામની બહાર બન્યો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના આઠ લોકોના મોત થયા હતા અને બે જણ ઘાયલ થયા હતા. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. જીપ અને ટ્રેલર વચ્ચે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત મેગા હાઈવે પર રાત્રે લગભગ એક વાગ્યે બન્યો હતો. તમામ લોકો જાલોરના સાંચોરમાં સ્થિત સેવડી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. તેઓ બાડમેરના ગુધામલાનીમાં પરિવારના સભ્યના લગ્નમાં હાજરી આપવા જઇ રહ્યા હતા. આ દરમિયાન બીટા ગામની સીમમાં જીપ અને સામેથી આવી રહેલા ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં જીપને ભારે નુકસાન થયું હતું. પરિવારના સભ્યો જીપની અંદર અટવાઈ ગયા હતા. અન્ય વાહનોમાં સવાર લોકો અને પોલીસ દ્વારા અડધા કલાકના પ્રયાસો બાદ છ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેઓનું ઘટનાસ્થળેજ મૃત્યુ થયું હતું જ્યારે ચારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જે પૈકી બેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવર અને હેલ્પરને ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેલર જીપ સાથે અથડાતાની સાથે જ પલટી ગયું. જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જીપ એટલી હદે કચડાઇ ગઇ હતી કે મૃતદેહો અંદર ફસાઈ ગયા હતા.
પોલીસ તપાસ ચાલુ છે. ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.