ફૅમિલી કોર્ટમાં બોગસ વકીલ પદવી અને સનદ ન હોવા છતાં અસીલનો પક્ષ રજૂ કરનારી વૃદ્ધાની ધરપકડ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કાયદાની પદવી અને વકાલતની સનદ ન હોવા છતાં બાન્દ્રાની ફૅમિલી કોર્ટમાં વકાલતનામું રજૂ કરીને અસીલનો પક્ષ રજૂ કરવા બદલ બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે વૃદ્ધાની ધરપકડ કરી હતી.
બીકેસી પોલીસે ધરપકડ કરેલી આરોપીની ઓળખ મોરડેકાઈ રેબેક્કા જૉબ ઉર્ફે મંદાકિની કાશીનાથ સોહોની (૭૨) તરીકે થઈ હતી. આ પ્રકરણે બોરીવલીમાં રહેતા એક વકીલે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે બાન્દ્રા પશ્રિમમાં પાલી હિલ ખાતે રહેતી સોહોની સામે તપાસ હાથ ધરી હતી.

આ પ્રકરણે પોલીસે જુલાઈ મહિનામાં સોહોનીને નોટિસ મોકલાવી હતી, જેને પગલે તે ૯ જુલાઈએ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. પોલીસે તેનું નિવેદન નોંધીને કાયદાની પદવી મેળવ્યાનું સર્ટિફિકેટ તેમ જ વકાલતની સનદ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાનું કહ્યું હતું.
પોલીસની સૂચના છતાં દસ્તાવેજો રજૂ ન કરનારી સોહોની ૧૫ જુલાઈએ બાન્દ્રાની ફૅમિલી કોર્ટમાં વકાલતનામું રજૂ કરીને અસીલ વતી હાજર રહી હોવાની માહિતી પોલીસને મળી હતી. આ બાબતની પૂરતી વિગતો મેળવવા પોલીસે રજિસ્ટ્રાર સાથે પત્રવ્યવહાર કર્યો હતો. ત્યાર બાદ ૧ ઑગસ્ટે પણ સોહોનીએ ફૅમિલી કોર્ટમાં અસીલ વતી વકાલતનામું રજૂ કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ફૅમિલી કોર્ટના રજિસ્ટ્રાર અને બૉમ્બે હાઈ કોર્ટમાં આવેલી બાર કાઉન્સિલ ઑફ મહારાષ્ટ્ર અને ગોવાની કચેરીમાંથી પણ સોહોનીના વકાલતનામા સંબંધિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. કોર્ટમાં વકાલતનામું રજૂ કરતી વખતે આરોપીએ બીજાના નામના સનદ નંબરનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું હતું. એ સિવાય તેની પાસે કાયદાની પદવી ન હોવાનું પણ જણાયું હતું. કાયદાની પદવી અને સનદ ન હોવા છતાં કોર્ટમાં વકાલતનામું રજૂ કરીને આરોપીએ કોર્ટ સાથે છેતરપિંડી તેમ જ અસીલ સાથે આર્થિક છેતરપિંડી કરી હોવાનું કહેવાય છે.
આરોપીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી. આખરે પ્રાથમિક પૂછપરછ બાદ શનિવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ સનદ નંબર ક્યાંથી પ્રાપ્ત કર્યો અને એ સનદ નંબર પોતાનો હોવાનું દર્શાવતા કથિત બનાવટી દસ્તાવેજો ક્યાંથી બનાવ્યા તેની તપાસ પોલીસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.