પાઇલટ્સની હડતાળને કારણે જર્મનીની લુફ્થાન્સા એરલાઇન્સની ફ્લાઇટ રદ, દિલ્હીમાં 700 મુસાફરો ફસાયા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જર્મનીની લુફ્થાન્સા એરલાઇન્સે તેના પાઇલટ્સની હડતાલ વચ્ચે વિશ્વભરમાં લગભગ 800 ફ્લાઇટ્સ રદ કરી છે, એમાં ભારતથી ઉડાન ભરનારી બે ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી, જેને કારણે લગભગ 700 મુસાફરો શુક્રવારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ -3 પર ફસાયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ફસાયેલા મુસાફરોના પરિવારજનો અને સંબંધીઓ એરપોર્ટની બહાર એકઠા થયા હતા અને પૈસા પરત કરવા અથવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવા લાગ્યા હતા. ભીડ એકઠી થવાને કારણે જામ થઈ ગયો હતો. તેઓ ટર્મિનલ બિલ્ડીંગમાં ફસાયેલા તેમના સંબંધીઓને ટિકિટના પૈસા પરત કરવા અથવા અન્ય કોઈ વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા હતા.

લુફ્થાન્સા એરલાઇન્સે કોઈપણ પૂર્વ માહિતી વિના ફ્લાઈટ્સ રદ કરવાથી મુસાફરો નારાજ થઈ ગયા હતા. તેમને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રઝળી પડેલા મુસાફરોએ દાવો કર્યો હતો કે તેમને ખોરાક, આવાસ અથવા વૈકલ્પિક ફ્લાઇટ રિબુકિંગની કોઇ ઓફર કરવામાં આવી નથી.

લુફ્થાન્સાએ આજે બપોરે 1:10 વાગ્યે 400 મુસાફરો સાથે મ્યુનિક જતી અને બપોરે 2:50 વાગ્યે ફ્રેન્કફર્ટ જતી બે ફ્લાઇટ રદ કરી હતી. બંને ફ્લાઇટ્સ લુફ્થાન્સાના મુખ્યાલય દ્વારા જ રદ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે લુફ્થાન્સાના પાઇલોટ્સ દ્વારા સારા પગાર અને અન્ય માગો સાથે એક દિવસીય હડતાલ કરી હતી, જેને કારણે બે મોટા શહેર ફ્રેન્કફર્ટ અને મ્યુનિક ખાતેથી 800 ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે એરલાઇન વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, આ અંગે હજી સુધી કોઇ વિગત આપવામાં આવી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.