પરિણિત યુગલોને આમ તો એકબીજાની ઘણી આદતોથી ત્રાસી ગયા હોય છે. ઘણી આદતો એકબીજા સહજતાથી સ્વીકારી લે છે તો અમુક આદતો નછૂટકે સ્વીકારવી પડે છે અથવા તો ઝગડાનું કારણ પણ બને છે. પણ એક આદત એવી છે જે રાતની ઉંઘ હરામ કરી નાખે છે. હા નસકોરાં. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે દેશના પરિણિત યુગલોમાંથી 70 ટકા પોતાના પાર્ટનરના નસકોરાંથી પરેશાન છે અને તેને એક રાતમાં એકાદવાર જગાડીને તો કહે છે કે પ્લીઝ મને પણ સૂવા દે.
દિવસભર કામથી શારીરિક અને માનસિક રીતે થાકેલા લોકોને રાત્રે ગુણવત્તાવાળી ઊંઘ જોઈતી હોય છે. સર્વેમાં 20થી 50 વર્ષના લોકોએ સ્વીકાર્યું હતું કે સારી ઉંઘ અતિ આવશ્યક છે. સર્વે મુંબઈ, ચેન્નઈ, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ, જયપુર, વિશાખાપટનમ, ભુવનેશ્વર, પટણા જેવા શહેરોમાં કરવામા આવ્યો હતો. જેમાંથી 67 ટકાએ કહ્યું હતું કે તેઓ પાર્ટનરની આ ટેવથી સારું સૂઈ શકતા નથી. જેમાંથી 45 ટકા તો આ રીતે સૂવાનું કારણ બેફીકરાઈને માને છે. લોકો પોતાની ઊંઘ માટે ઘણી તૈયારીઓ પણ કરે છે. જેમ કે 36 ટકા લોકો શાંત ઉંઘ માટે મેટ્રેસ સારી વાપરવી જેવા ઉપાયો કરે છે. જોકે 70 ટકાથી વધારે યુગલો કહે છે કે તેઓ નસકોરાં બોલાવતા પાર્ટનર સાથે વાતચીત કરતા હોય છે અને તેમને કહેતા હોય છે.
જોકે વાત જ્યારે ઊંઘની આવે ત્યારે ગંભીરતાથી લેવી જરૂરી છે. ઉંઘનો સીધો સંબંધ શારીરિક અને માનસિક આરોગ્ય સાથે છે. મોટા શહેરોમાં જીવન વધારે ભાગદોડવાળું હોય છે આથી રાતની ઊંઘ જ એક આરામનો સમય હોય છે અને એ પણ જો બરાબર રીતે ન મળે તો સ્વાભાવિક રીતે વ્યક્તિ થાકી જાય છે અને તેના સ્વાસ્થ્ય તેમ જ સ્વભાવ પર અસર પડે છે. પતિ અથવા પતિના નસકોરાં સૂવા ન દે ત્યાં સુધી વાત બરાબર છે, પરંતુ એકબીજાના સંબંધો કે વ્યવહાર જો અનિદ્રા કે ઉદ્વેગનું કારણ બને તો તેનો ઈલાજ મેળવવો મુશ્કેલ છે.