જુલાઈ મહિનાનો ૬૪ ટકા વરસાદ માત્ર પાંચ દિવસમાં

આમચી મુંબઈ

ગાજ્યાં મેઘ વરસ્યાં:
મુંબઈમાં મંગળવારે હવામાન ખાતાની આગાહી મુજબ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં દાદર, વડાલા, સાયન જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઘાટકોપર (વેસ્ટ)માં ખંડોબા ટેકરીમાં ઝાડ તૂટી પડ્યું હતું.
(તસવીરો: અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જૂન મહિનો કોરો ગયા બાદ જુલાઈ મહિનાના આગમનની સાથે જ ચોમાસું બરોબરનું જામી ગયું છે. માત્ર પાંચ દિવસમાં જ જુલાઈ મહિનાનો ૬૪ ટકા વરસાદ પડી ગયો છે. આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી જૂન મહિનાની કસર જુલાઈમાં વરસાદ પૂરી કરી નાખે એવી શક્યતા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ જુલાઈ મહિનામાં સરેરાશ ૮૫૫.૭ મિલીમીટર વરસાદની આવશ્યકતા હોય છે, તેમાંથી મંગળવાર સાંજ સુધીમાં જ મુંબઈમાં ૫૫૫ મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. તેમાંથી ૨૦૦ મિ.મી. (ચાર ઈંચ)વરસાદ તો મંગળવાર બપોરના પૂરા થયેલા ૩૬ કલાકમાં જ નોંધાયો હતો. મંગળવારના સવારથી વરસાદનું ભારે જોર રહ્યું હતું. ખાસ કરીને સવારના ૮.૩૦ વાગ્યાથી બપોરના ૨.૩૦ વાગ્યા સુધીના છ કલાકમાં
વરસાદનું જોર વધુ રહ્યું હતું. છ કલાકમાં સાંતાક્રુમાં ૧૧૫.૩ મિ.મી.(સવા ચાર ઈંચ) વરસાદ પડ્યો હતો.
હવામાન ખાતાએ મુંબઈ અને થાણે માટે સાત અને આઠ જુલાઈ માટે ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તો પાલઘર અને રાયગઢ માટે રેડ એલર્ટ છે.
વરસાદનું જોર ચાલુ જ રહ્યું હોવાથી હવામાન ખાતાના જણાવ્યા મુજબ સાંતાક્રુઝમાં અત્યાર સુધી મોસમનો કુલ ૭૩૩ મિ.મી. જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જે સરેરાશ કરતા ૧૩ મિ.મી. વધુ છે. તો કોલાબામાં ૪૮ મિ.મી. સરપ્લસ વરસાદ પડી ચૂક્યો છે.
મંગળવાર સવારના ૨૪ કલાક દરમિયાન કોલાબામાં ૧૧૭.૪ મિ.મી.(સવા ચાર ઈંચ) તો સાંતાક્રુઝમાં ૧૨૫.૨ મિ.મી.(પાંચ ઈંચ) વરસાદ નોંધાયો હતો.
રિજિનલ મિટિરિયોલોજીકલ સેન્ટર, મુંબઈના સાયન્ટિસ્ટ અને હેડ ડૉ.જયંત સરકારે જણાવ્યું હતું કે આગામી દિવસમાં વરસાદનું જોર કાયમ રહેશે. મુંબઈ માટે આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે. હવામાન ખાતાની સતત નજર રહેશે અને કદાચ આ એલર્ટ બદલાઈ પણ શકે છે. રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય થયું છે. મધ્ય પ્રદેશના મધ્ય ભાગમાં લો પ્રેશર સર્જાયુ છે, તો ગુજરાત કિનારાથી મહારાષ્ટ્રના કિનારપટ્ટી સુધીના વિસ્તારમાં ઓફશોટર ટ્રફ સર્જાયું છે અને વરસાદ લાવનારા પશ્ર્ચિમી પવનો પણ ભારે માત્રામાં ફૂંકાઈ રહ્યા છે. આગામી ચારથી પાંચ દિવસ મુંબઈ સહિત રાજ્યમાં ભારે વરસાદનો અંદાજો છે, તેમાં પણ અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રાયગઢ, રત્નાગિરી માટે રેડ એલર્ટ રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.