સીરિયા અને તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ આજે સવારે ચીન અને તાજિકિસ્તાન બોર્ડર પર 7.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ચીનના શિનજિયાંગમાં ગુરુવારે સવારે લગભગ 8:37 વાગ્યે 7.3 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને પૂર્વી તાજિકિસ્તાનમાં 6.8-ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
ચીન અર્થક્વેક નેટવર્ક સેન્ટરે ઉયગર સ્વાયત્ત ક્ષેત્રમાં ભૂકંપની પુષ્ટિ કરી છે, જ્યારે યુએસ જીઓલોજિકલ સર્વેએ તાજિકિસ્તાનમાં આ આંચકાઓ વિશે માહિતી આપી છે.
યુએસજીએસના અંદાજ મુજબ, તાજિકિસ્તાનમાં જ્યાં ભૂકંપ આવ્યો તે વિસ્તાર વિશાળ પામિર પર્વત શિખરોથી ઘેરાયેલો છે. આવી સ્થિતિમાં, ત્યાં ભૂસ્ખલન પણ થઈ શકે છે, પરંતુ જાનમાલનું નુકસાન ન થવું જોઈએ કારણ કે આ વિસ્તારમાં વસ્તી ખૂબ ઓછી છે. જો કે, અત્યાર સુધી ચીનની સ્થિતિ વિશે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી.
તુર્કીમાં 7.8 તીવ્રતાના ભૂકંપ અને આફ્ટરશોક્સને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 41,020 થઈ ગઈ છે. તે જ સમયે, સીરિયામાં કુલ 5800 લોકોના મોત થયા હતા. કુલ મળીને લગભગ 46820 લોકોના અકાળે મોત થયા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં મૃત્યુઆંક વધીને 50,000થી વધુ થઈ શકે છે કારણ કે આ આંકડામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોનો ઉલ્લેખ નથી.