(તસવીર: પ્રવિણ સેદાણી)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ધોરણ-૧૦ બોર્ડનું પરિણામ ગુરુવારે જાહેર કરી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનું કુલ પરિણામ ૬૪.૬૨ ટકા આવ્યું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં સામાન્ય નીચું છે. પાછલા વર્ષે ૬૫.૧૮ ટકા પરિણામ આવ્યું હતું. એટલે કે પાછલા વર્ષ કરતા આ વર્ષે પરિણામ સામાન્ય ઓછું આવ્યું છે. આ વર્ષે ૧૦૦ ટકા પરિણામ ધરાવનારી શાળાઓ અને ૩૦ ટકા કરતા ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે ૦ ટકા પરિણામ લાવનારી સ્કૂલોની સંખ્યા પણ પાછલા વર્ષ કરતા વધી છે.
રાજ્યમાં ૧૪ મી માર્ચે કુલ ૯૫૮ કેન્દ્ર પરથી પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષામાં કુલ નિયમિત ૭,૩૪,૮૯૮ વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમનું પરિણામ ૬૪.૬૨ ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠાનું કુભારિયા છે જ્યાંનું પરિણામ ૯૫.૯૨ ટકા આવ્યું છે. જ્યારે સૌથી નીચું પરિણામ નર્મદાના ઉતાવળી કેન્દ્રનું ૧૧.૯૪ ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વર્ષે પણ પાછલા વર્ષની જેમ સુરત જ છે જ્યાનું ૭૬.૪૫ ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે જ્યાનું ૪૦.૭૫ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શૂન્ય ટકા પરિણામ મેળવનારી શાળાઓ વર્ષ ૨૦૨૨માં ૧૨૧ હતી જે આ વર્ષે વધીને ૧૫૭ થઈ ગઈ છે.
પરિણામ જાણ્યા બાદ અમદાવાદ, રાજકોટ અને સુરતની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ એકઠા થઈને ઉજવણી કરી હતી. સુરતમાં વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ જોયા બાદ ગરબા રમીને અને વેકેશન બાદ ફરી એકવાર સ્કૂલમાં એકઠા થઈને ઉજવણી કરી હતી.