ભારતીય રેલવેની પ્રીમિયમ કહો કે પછી વીઆઈપી રાજધાની ટ્રેનમાં ફૂડ સંબંધિત ફરિયાદોની સંખ્યા હજારોમાં થઈ રહી હોવાનું જણાવાયું હતું. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રાજધાની ટ્રેનમાં કેટરિંગ સંબંધિત 6,361 જેટલી ફરિયાદ કરવામાં આવી હોવાનું તાજેતરમાં સંસદમાં જણાવ્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષમાં 31મી ઓક્ટોબર, 2022 સુધીમાં રાજધાની ટ્રેનોમાં ખાનપાન સંબંધિત સર્વિસ મુદ્દે કુલ 6,371 જેટલી ફરિયાદ મળી હતી. રેલવે પ્રશાસનને મળેલી આ બધી ફરિયાદ સંદર્ભમાં કોન્ટ્રાક્ટરને દંડ કરવાની સાથે શિસ્ત ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભારતીય ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી (એફએસએસઆઈ) દ્વારા સૂચિત માત્રા અને નિર્ધારિત માપદંડ અનુસાર ફૂડ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એમ રેલવેએ જણાવ્યું હતું. રાજધાની સહિત અન્ય પ્રીમિયમ ટ્રેનોમાં પૂરું પાડવામાં આવતા ભોજનની ગુણવત્તામાં સુધારો કરવા સતત પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત, મહત્ત્વના ઉપક્રમોમાં બેસ કિચન/કિચન યુનિટમાં દેરરેખ માટે સીસીટીવી કેમેરા બેસાડવાની સાથે ઓનબોર્ડ આઈઆરસીટીસીના સુપરવાઈઝરને તહેનાત કરવામાં આવે છે, જ્યારે ટ્રેનોની પેન્ટ્રી કાર અને પ્રત્યેક બેઝ કિચનમાં સ્વચ્છતા અને સફાઈ કરવા માટે થર્ડ પાર્ટી ઓડિટ પણ કરવામાં આવે છે, એમ અહેવાલમાં જણાવ્યું હતું.