સેન્સેક્સ ચાર મહિના પછી ૬૦,૨૬૦

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: તેજીવાળાની મજબૂત પકડ વચ્ચે સેન્સેક્સે બુધવારના સત્રમાં ચાર મહિના પછી ૬૦,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. સેન્સેક્સનું આ ૫ાંચમી એપ્રિલ પછીનું સર્વોચ્ચ સ્તર છે.વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત થવા સાથે વિદેશી ફંડોની એકધારી લેવાલીનો ટેકો મળતા સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સતત ચોથા દિવસની આગેકૂચમાં બુધવારના સત્રમાં સેન્સેક્સે ૬૦,૨૬૦ની સપાટી વટાવી નાંખી હતી, જ્યારે નિફ્ટી ૧૮,૦૦૦ની લગોલગ પહોંચી ગયો હતો.
બજારનો અંડરટોન મજબૂત હતો, સેન્સેક્સના ત્રીસ શેરમાંથી ૨૩ શેર પોઝિટીવ ઝોનમાં પહોંચ્યા હતા. સાર્વત્રિક લેવાલીના માહોલમાં પસંદગીના સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ સારો સુધારો જોવા મળ્યો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે તેજી માટે આ સત્રમાં અનેક કારણો એકત્ર થયાં હતાં, જેમાં એશિયાઇ બજારોમાં સુધારાનો માહોલ, ક્રૂડ ઓઇલ સહિત કેટલીક કોમોડિટીઝના ભાવમાં ઘટાડો, વિદેશી હૂંડિયામણ બજારમાં રૂપિયાની મજબૂતી તેમ જ ખાસ તે એફઆઇઆઇની એકધારી ચાલુ રહેલી લેવાલીનો સમાવેશ થાય છે.
કોર્પોરેટ સેકટરના સારા નાણાકીય પરિણામ અને અર્નિંગ્સના સારા ડેટાને કારણે પણ સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું. ફુગાવાનું દબાણ હળવું થઇ રહ્યું હોવાથી શેરબજારના ખેલાડીઓમાં એવી અપેક્ષા જાગી છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી મહિનાઓમાં વ્યાજ દરમાં વધારો કરવાની ગતિ અને માત્રાને ધીમી કરી શકે છે.
ટોચના વિશ્ર્લેષકે એવી ધારણા વ્યક્ત કરી હતી કે ઇન્ફ્લેશનના સ્તરને જોતાં એવી આશા રાખી શકાય કે આક્રમક દર વધારાની સાઇકલ એક કે બે વધુ સાઇકલ સાથે પૂરી થઈ શકે છે. વૈશ્ર્વિક કેન્દ્રીય બેંકોનું વ્યાજવૃદ્ધિને લગતું વલણ ધીમે ધીમે નરમ બની શકે છે, જે વૈેશ્ર્વિક ઇક્વિટી માર્કેટ્સના સેન્ટિમેન્ટને પ્રોત્સાહિત કરી રહ્યું છે.
મજબૂત કોર્પોરેટ જૂન-ક્વાર્ટરના પરિણામો, કોમોડિટીના ભાવમાં નરમાઈ અને ગ્રાહક ફુગાવો હળવો થવાથી ખાસ કરીને ક્ધઝ્યુમર અને ઓટો શેરોમાં સારી લેવાલી જોવા મળી છે.
એ નોંધવું રહ્યું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ ભારતીય ઇક્વિટીમાં નાણાં ઠાલવી રહ્યાં છે, જેમણે આ મહિને ૧૨ ઓગસ્ટ સુધી ૨.૮૩ અબજ ડોલર મૂલ્યના શેરો ખરીદ્યા હતા, જેની સરખામણીએ જુલાઈના ડેટા અનુસાર ૬૧.૮૦ કરોડ ડોલરનો આંતરપ્રવાહ હતો.
———
રોકાણકારોની સંપત્તિમાં ₹ ૭.૪૧ લાખ કરોડનો ઉમેરો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સેન્સેક્સે ૬૦,૦૦૦ પોઇન્ટનો કિલ્લો ફરી સર કર્યો અને એ જ સાથે રોકાણકારોની સંપત્તિમાં ચાર સત્રમાં રૂ. ૭.૪૧ લાખ કરોડનો ઉમેરો થયો છે. સેન્સેક્સે આ ચાર દિવસમાં ૧૪૪૨.૮૪ પોઇન્ટ અથવા તો ૨.૪૫ ટકાની છલાંગ લગાવી છે. બેન્ચમાર્કની આ છલાંગ સાથે તાલ મિલાવતા બીએસઇનું માર્કેટ કેપિટલ રૂ. ૭,૪૧,૫૩૪.૪૪ કરોડ વધીને રૂ. ૨,૭૯,૮૫,૮૨૧.૩૮ કરોડની સપાટીએ પહોંચ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.