કોસ્ટલ રોડનું ૫૮ ટકા કામ પૂરું

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડનું અત્યાર સુધી ૫૮ ટકા કામ થઈ ચૂક્યું છે. દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવથી કાંદિવલી સુધીના ૨૯.૫ કિલોમીટર લાંબા પ્રસ્તાવિત કોસ્ટલ રોડમાં પહેલા તબક્કામાં મરીન ડ્રાઈવના પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી વરલી સુધી કોસ્ટલ રોડ બનાવવામાં આવી રહ્યો છે.
પહેલા તબક્કામાં ૧૦.૫૮ કિલોમીટર લાંબા પ્રિન્સેસ સ્ટ્રીટથી બાંદ્રા-વરલી સી લિંકમાં વરલીના છેડા સુધી કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે ઑક્ટોબર, ૨૦૧૮ની સાલમાં કામ ચાલુ કરવામાં આવ્યું હતું. લગભગ ૧૨,૭૨૧ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા મેગા પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડનું કામ કોરોના મહામારીના સમયગાળામાં ધીમું પડી ગયું હતું. જોકે લોકડાઉનમાં રાહત મળવાની સાથે જ કામ ઝડપભેર ચાલુ થયું હતું. કોસ્ટલ રોડનું કામ નવેમ્બર, ૨૦૨૩ સુધી પૂરો કરવાનો પાલિકાનો લક્ષ્યાંક છે.
પ્રોજેક્ટ માટે ૧૧૧ હેક્ટર જમીનની જરૂરિયાત પડવાની છે, તેમાંથી ૧૦૭ હેક્ટર એટલે કે ૯૭ ટકાની ભરણી થઈ ચૂકી છે. દરિયાકિનારા પર ભીંતનું ૭૦ ટકા કામ પૂરું થઈ ગયું છે. પુલ નીચે બાંધવામાં આવનારા ૧૭૫ થાંભલામાંથી ૭૦ એટલે કે ૪૦ ટકા થાંભલાનું કામ થઈ ચૂક્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.