થાણે: થાણે જિલ્લાના કલ્યાણ ખાતે હૉસ્પિટલ શરૂ કરવામાં આવી રહી હોઈ તેમાં દવાની દુકાન અને લૅબોરેટરીની ગોઠવણને બહાને અમુક લોકો પાસેથી ૫૬ લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવા પ્રકરણે પોલીસે મહિલા સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
એક ફરિયાદીએ પોલીસને કહ્યું હતું કે આરોપીએ કલ્યાણમાં નવી હૉસ્પિટલ શરૂ કરવામાં આવી રહી હોવાનું કહીને તેનો સંપર્ક સાધ્યો હતો. હૉસ્પિટલમાં દવાની દુકાન શરૂ કરવાનું આરોપીએ તેને કહ્યું હતું. આ માટે આરોપીએ ૩૨ લાખ રૂપિયા ડિપોઝિટ તરીકે જમા કરાવવાનું કહ્યું હતું. આ રકમ ફરિયાદી અને તેના પાર્ટનરે આરોપીને ચૂકવી હતી, એમ ડોમ્બિવલીના માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીએ એક હેલ્થ કૅર કંપનીમાં મહિલા અને તેના પાર્ટનરનો પણ સંપર્ક સાધ્યો હતો અને હૉસ્પિટલમાં એક લૅબોરેટરી શરૂ કરવાનું કહ્યું હતું. આ માટે આરોપીએ તેમની પાસેથી ડિપોઝિટ પેટે ૨૪ લાખ રૂપિયા લીધા હતા, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ આ આર્થિક લેવડદેવડ જાન્યુઆરીથી મે, ૨૦૨૧ દરમિયાન થઈ હતી. જોકે બાદમાં આરોપીએ કહ્યું હતું કે સંબંધિત વિસ્તારમાં હૉસ્પિટલ ચલાવી શકાય એમ નથી. હૉસ્પિટલનું કામકાજ બંધ કરવામાં આવ્યું હોવાનું આરોપીએ જણાવી ડિપોઝિટની રકમ છ મહિનામાં પાછી આપવાની ખાતરી આપી હતી. જોકે છ મહિના વીત્યા છતાં રૂપિયા પાછા ન મળતાં આખરે ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે બુધવારે ત્રણ જણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)
કલ્યાણમાં હૉસ્પિટલ શરૂ કરવાને નામે ૫૬ લાખની છેતરપિંડી: ત્રણ સામે ગુનો
RELATED ARTICLES