કાર્તિકેય તો હજુ બાળક છે, આટલા મોટા અસુરનો સામનો કઈ રીતે કરી શકશે?

ધર્મતેજ

શિવ રહસ્ય – ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: મહિદાનવ કહે છે કે, સ્વર્ણ, રજત અને લોહત્ત્વના ત્રણે ગ્રહોને સૂર્યમંડળમાં સ્થાપિત કરવા ખૂબ વિકટ છે, આ કાર્યની સંપૂર્ણતા માટે ખૂબ મોટી સંખ્યામાં સ્વર્ણ, રજત અને લોહત્ત્વ જોઈશે, આ તત્ત્વો સૃષ્ટિના પેટાળમાંથી લેતાં કદાચ સૃષ્ટિનો વિનાશ પણ થઈ શકે.
સૃષ્ટિનો વિનાશ પણ થઈ શકે એટલું સાંભળતાં તારકાક્ષ કહે છે: ‘મહિદાનવ તમને અસુરરાજે જે આદેશ આપ્યો છે તેનું પાલન કરો, સૃષ્ટિનું શું થશે તેનો વિચાર તમારે કરવાનો નથી.’ ભયભીત મહિદાનવ સુવર્ણ, રજત અને લોહત્ત્વના ત્રણ ગ્રહો બનાવી સૂર્યમંડળમાં સ્થાપિત કરવા તૈયાર થાય છે. અસુરગણો મહિદાનવની સૂચના પ્રમાણે પૃથ્વીના પેટાળમાંથી સુવર્ણ, રજત અને લોહત્ત્વ તેમને પહોંચાડે છે.
કઠિન પરિશ્રમ બાદ ત્રણે ગ્રહો તૈયાર થઈ ગયા હોવાની માહિતી મળતાં જ તારકાસૂર ત્યાં ઉપસ્થિત થાય છે, તારકાસૂરને મહિદાનવ જણાવે છે કે આ ત્રણે ગ્રહો તૈયાર થઈ ગયા છે, આ ગ્રહોની રચના એ રીતે કરી છે કે કોઈપણ દેવગણ આક્રમણ કરે તો તમને કોઈ આંચ નહીં આવી શકે. પણ આ ત્રણે ગ્રહો સૂર્યમંડળમાં સ્થાપિત થયા બાદ પોતાની ગતિ પ્રમાણે સમાંતર અંતરે સૂર્યની ગોળ ફરશે પણ એક સમયે ત્રણે એક સમાંતર રેખામાં આવશે ત્યારે આ ત્રણે ગ્રહો એકબીજાની ચુંબકીય શક્તિથી ગ્રહિત થશે, અને તે સમયે કોઈપણ દેવગણો આક્રમણ કરે તો આ ગ્રહો સાથે તમારા પુત્રોનો પણ વિનાશ કરી શકે છે.
તેનો ઉપાય શોધતા તારકાસૂર કહે છે કે, મહિદાનવ આપણે આ ત્રણે ગ્રહોની ગતિ તો નિયંત્રિત કરી શકીએ છીએ ને? સુવર્ણ ગ્રહની ગતિ ખૂબ જ વધારે, રજત ગ્રહની ગતિ અન્ય ગ્રહો જેટલી અને લોહત્ત્વ ગ્રહની ગતિ એકદમ મંદ રાખવી જેથી આ ત્રણે ગ્રહો એક સમાંતર રેખામાં આવે તો પણ કોઈને દૃશ્યમાન જ ન થાય તો તેઓ આક્રમણ જ નહીં કરી શકે. દેવગણો આપણું કઈ બગાડી શકશે નહીં અને અમે અમર થઈ જશું. સામે પક્ષે દેવગણો ચિંતિત થાય છે કે , તારકાસૂર મહિદાનવ પાસે ત્રિપૂરનું નિર્માણ કરાવી રહ્યો છે, જે સૂર્યમંડળમાં સ્થાપિત કરવામાં સફળ થયો તો આપણે ક્યારેય તારકાસૂર અને તેના પુત્રનો વિનાશ નહીં કરી શકીએ. દેવરાજ ઈન્દ્ર જણાવે છે કે, મહિદાનવે ત્રણે ગ્રહોને બનાવી લીધાં છે અને તે સૂર્યમંડળમાં સ્થાપિત કરવા જઈ રહ્યો છે, તેને અટકાવી શકાય નહીં, આ ગ્રહો સૂર્યમંડળમાં સ્થાપિત થાય તે પહેલાં આપણે શિવપુત્રને લાવી તારકાસૂરનો વધ કરવો આવશ્યક છે.
દક્ષિણી ભાષાના શિવ પુરાણમાં કાર્તિકેયનો જન્મ મા ગંગાના સાંનિધ્યમાં થયો અને નક્ષત્રલોકમાં તેનું લાલનપાલન થાય છે. તો ભારતના ઉત્તરીય પ્રદેશમાં એક વર્ગ એવો માનવાવાળો છે કે, ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન બાદ તેઓ પ્રથમ એક સ્થળે (બૈલગામ જે આજનું પહેલગામ) નંદીને રાહ જોવાનું કહી આગળ વધે છે ત્યારબાદ માતા ગંગાને એક ઝીલ (સરોવર)માં સ્થાન આપે છે જેમાં શેષનાગ અને ચંદ્રદેવને પણ ત્યાં રોકાવાનું કહેવામાં આવે છે, આ ઝીલ આજે શેષનાગ ઝીલ તરીકે પ્રખ્યાત છે. ભગવાન શિવના શરીર પર અન્ય કંઈપણ શોભાયમાન ન રહેતાં માતા પાર્વતી અને ભગવાન શિવ આગળ વધે છે અને હાલમાં કહેવાતી અમરનાથ ગુફામાં પ્રથમ પ્રકૃતિ અને પ્રથમ પુરુષનું માનસિક મિલન થતાં ત્યાં એક ઊર્જા ઉત્પન્ન થાય છે, તે ઊર્જા એટલે જ ભગવાન કાર્તિકેય. એક ગુફામાં એક ઊર્જા ઉત્પન્ન થઈ રહી હોવાના સમાચાર મળતાં જ તારકાસૂર ત્યાં પહોંચવાની તૈયારી કરે છે, દેવરાજ ઈન્દ્રના આદેશથી અગ્નિદેવ એ ઊર્જાને લઈ ત્યાંથી અદૃશ્ય થાય છે. ઊર્જા ત્યાંથી દૂર થઈ હોવાથી માતા પાર્વતીનું ધ્યાન ભંગ થાય છે અગ્નિ દેવની પાછળ દોડી રહેલાં માતા પાર્વતીને જોઈ ભગવાન શિવ પણ તેમની પાછળ જાય છે, ગુફાની બહાર દેવગણો ઉપસ્થિત હોય છે, દેવગુરુ બૃહસ્પતિ કહે છે, ‘હે જગતમાતા, દેવગણોને માફ કરો, દેવરાજ ઇન્દ્રના આદેશથી જ તમારા પુત્રને અગ્નિદેવ એક સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યા છે, અને સમય થતાં તેઓ તમારી સમક્ષ લઈ આવશે. તેજ સમયે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્માજી પણ ત્યાં ઉપસ્થિત થાય છે અને માતા પાર્વતીને કહે છે કે દેવી તમારી ચિંતા યોગ્ય છે, આ ઊર્જા માં ગંગાની પવિત્ર ધારામાં વહેતું થઈ ગયું હોવાથી થોડા જ સમયમાં તમારા પુત્રનો જન્મ થશે અને આ પવિત્ર મા ગંગાની ધારામાં સ્નાન કરી રહેલી નક્ષત્રલોકથી આવેલી છ કૃતિકા માતાઓ તમારા પુત્રનું લાલનપાલન કરશે.
તારકાસૂરના આદેશથી મહિદાનવ ત્રિપૂરને સૂર્યમંડળમાં સ્થાપિત કરવાની તૈયારી કરતાં જોઈ દેવરાજ ઈન્દ્ર કહે છે કે હવે સમય આવી ગયો છે કે નક્ષત્રલોકથી શિવપુત્રને તેડવો આવશ્યક છે. દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણો કૈલાસ પહોંચે છે અને કહે છે.
દેવરાજ ઈન્દ: ‘મહાદેવ અને મહાદેવીની જય હો. તારકાસૂર સુવર્ણ, રજત અને લોહતત્વથી બનાવેલા ત્રિપૂર સૂર્યમંડળમાં સ્થાપિત કરવા જઈ રહ્યો છે અને તેમાં જો એ સફળ થઈ ગયો તો તારકાસૂર અને તેના ત્રણેય પુત્રોનો વિનાશ ક્યારેય નહીં થાય, શિવપુત્ર કાર્તિકેય બાળઅવસ્થામાં જ શસ્ત્ર કલામાં નિપૂર્ણ થઈ ગયા છે, તેઓ તારકાસૂરનો વિનાશ કરવા સક્ષમ છે, મહાદેવ તમે આદેશ આપો તો શિવપુત્ર કાર્તિકેયને યુદ્ધમાં સામેલ કરીએ.’
ભગવાન શિવ: ‘દેવરાજ નિચિંતિત રહો, હવે સમય થઈ ગયો છે ક્ે કાર્તિકેયને અહીં બોલાવવા જોઈએ, તેમની ઉપસ્થિતિ થતાં જ તેમનો દેવગણોના સેનાપતિ તરીકે અભિષેક કરી યુદ્ધમાં સામેલ કરાશે.’
માતા પાર્વતી: ‘ચાલો મહાદેવ, આપણે નક્ષત્રલોક જઈએ અને આપણા પુત્રને તેડી લાવીએ.’
ભગવાન શિવ: ‘પાર્વતી અધીરા ન બનો, કાર્તિકેયને યુદ્ધમાં સામેલ કરવા તેમની નક્ષત્ર માતાઓની અનુમતી જરૂરી છે. પ્રથમ આપણે નંદીને નક્ષત્રલોક મોકલી કૃતિકા માતાઓને સમજાવીએ કે, તારકાસૂરનો વધ ફક્ત શિવપુત્ર કાર્તિકેયના હાથે થવાનો હોવાથી તેઓ અનુમતી આપે.’
આટલું સાંભળતાં જ નંદી સહિત અન્ય શિવગણો નક્ષત્રલોક પહોંચે છે. નંદી સહિત આવેલા શિવગણોને જોઈ કૃતિકા માતાઓ હર્ષ અનુભવે છે અને તેમનું સ્વાગત કરે છે.
નંદી: માતાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના આદેશથી અમે અહીંયા ઉપસ્થિતિ થયા છીએ, ભગવાન શિવે અમને આદેશ આપ્યો છે કે, તમને સમજાવી કાર્તિકેયને કૈલાસ લઈ આવો.’
કૃત્તિકા માતા: ‘નંદી ભગવાન શિવે કયા કારણોસર કાર્તિકયને કૈલાસ આવવાનું આમંત્રણ આપ્યું છે.’ નંદી: ‘માતા, અસુર સમ્રાટ તારકાસૂરને ભગવાન શિવનું વરદાન છે કે, તેનો વધ ફક્ત શિવપુત્ર કાર્તિકેય દ્વારા જ થશે, હાલમાં જ તારકાસૂર સુવર્ણ, રજત અને લોહતત્ત્વથી ત્રિપૂરનું નિર્માણ કરી ચૂક્યો છે, આ ત્રણે ત્રિપુર (ગ્રહો) સૂર્યમંડળમાં સ્થાપિત થઈ ગયાં તો કોઈપણ દેવગણ તારકાસૂર અને તેના પુત્રોનો ક્યારેય વધ નહીં કરી શકે, તેઓ અમર થઈ જશે, શિવપુત્ર કાર્તિકેયના હાથે તેમનો અંત અનિવાર્ય છે.’
કૃત્તિકા માતા: ‘પણ મારો કાર્તિકેય તો હજુ બાળક છે, આટલા મોટા અસુરનો સામનો કઈ રીતે કરી શકશે?’
નંદી: ‘માતા કાર્તિકેય શિવપુત્ર છે, તેમનામાં સૃષ્ટિની દરેક શક્તિઓ સમાયેલી છે, તમે પરવાનગી આપો તો તેમને કૈલાસ લઈ જઈએ.
કમને કૃતિકા માતા તેમને કૈલાસ મોકલવા તૈયાર થાય છે અને કાર્તિકેયને બોલાવવા સેવકને મોકલે છે. થોડા જ સમયમાં કાર્તિકેય ત્યાં ઉપસ્થિતિ થાય છે. શિવપુત્ર કાર્તિકેય કૃતિકા માતાઓના આશીર્વાદ લઈ કૈલાસ પ્રયાણ કરે છે.
કાર્તિકેય કૈલાસ પહોંચી રહ્યાંના સમાચાર મળતાં જ બ્રહ્માજી, માતા સરસ્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા લક્ષ્મીજી, દેવર્ષિ સહિત સમસ્ત દેવગણો કૈલાસ પહોંચી જાય છે. કાર્તિકેય કૈલાસ પહોંચતાં જ દેવગણો કાર્તિકેયનો જયજયકાર કરે છે. કાર્તિકેય પ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણ સ્પર્શ કરે છે, ત્યારબાદ સમસ્ત દેવગણોના આશિર્વાદ લઈ માતા પાર્વતી સમક્ષ
પહોંચે છે.
કુમાર કાર્તિકેયને માતા પાર્વતી પોતાના ખોળામાં બેસાડી અત્યંત સ્નેહ કરે છે, દરેક દેવતાઓ વિવિધ પ્રકારના પદાર્થ, શક્તિ અને અસ્ત્ર-શસ્ત્ર વગેરે પ્રદાન
કરે છે, આ જોઈ માતા પાર્વતીના
હૃદયમાં પ્રેમ માતો ન હતો તેમણે સ્મિત ફરકાવીને કુમાર કાર્તિકેયને ઐશ્ર્વર્ય આપે છે સાથે જ ચિરંજીવ બનવાનું વરદાન
આપે છે.
માતા લક્ષ્મી દિવ્યસંપન્ન તથા એક વિશાળ મનોહર હાર અર્પિત કરે છે, માતા સરસ્વતી પણ પ્રસન્ન થઈ વિદ્યાઓ પ્રદાન કરતાં ત્યાં મહોત્સવ ઉજવાય છે. મહોત્સવ દરમિયાન માતા પાર્વતના આનંદનો પાર ન હતો. એ દરમિયાન દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચે છે અને કહે છે, ‘હે પ્રભો! તારકાસૂર આપણા કુમારના હાથે જ માર્યો જવાનો છે, દેવગણોના સુખોર્થે તારકાસૂરનો અંત કરવાના હેતુ માટે આપ કુમારને આજ્ઞા આપી તેમને સેનાપતિ તરીકે અભિષેક કરો, અમે લોકો અસ્ત્ર-શસ્ત્રથી સુસજિજત થઈને તારકાસૂરને મારવા માટે રણ-યાત્રા કરીશું.’
આટલું સાંભળતાં જ ભગવાન શિવ અને માતા પાર્વતીનું હૃદય દયાર્દ્ર થઈ જાય છે, તેઓ દેવગણોની પ્રાર્થનાનો સ્વીકાર કરી કુમાર કાર્તિકેયનો અભિષેક કરે છે અને કુમાર કાર્તિકેયને દેવસેનાના સેનાપતિ તરીકે ઘોષિત કરે છે.
ભગવાન શિવ, માતા પાર્વતી સહિત સમસ્ત દેવગણોના આશિર્વાદ લઈ કુમાર કાર્તિકેય દેવસેનાનું સુકાન સંભાળે છે, તેમની પાછળ બ્રહ્માજી, માતા સરસ્વતીજી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા લક્ષ્મીજી સહિત સમસ્ત દેવગણ તેમની પાછળ યુદ્ધભૂમિમમાં પધારે છે. સામે પક્ષે તારકાસુર દેવતાઓના યુદ્ધ-ઉદ્યોગને સાંભળીને એક વિશાળ સેના સાથે રણક્ષેત્ર તરફ પ્રયાણ કરે છે.
તારકાસૂરની વિશાળ સેનાને જોઈ દેવગણો પરમ વિસ્મય પામે છે, એ જોઈ તારકાસૂર બળપૂર્વક વારંવાર સિંહનાદ કરવા લાગ્યો. ભગવાન શિવની પ્રેરણાથી સંપૂર્ણ દેવતાઓ પ્રતિ આકાશવાણી થઈ કે હે દેવગણ! તમે લોકો કુમાર કાર્તિકેયના અધિનાયકત્ત્વમાં યુદ્ધ કરવા તૈયાર થયા છો, તે સંગ્રામમાં દૈત્યોનો વિનાશ કરી વિજય થશો. (ક્રમશ:)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.