મુંબઈ મહિલા મુસાફરોને 17 માર્ચથી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) દ્વારા સંચાલિત તમામ બસોના ભાડામાં 50 ટકાની છૂટ મળશે. MSRTCએ શુક્રવારે આ જાહેરાત કરી હતી. MSRTC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ છૂટ ‘મહિલા સન્માન યોજના’ હેઠળ આપવામાં આવી રહી છે અને રાજ્ય સરકાર કોર્પોરેશનને વળતર આપશે.
મહારાષ્ટ્રના નાણા પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 9 માર્ચે નાણાકીય વર્ષ 2023-24 માટે રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે જાહેર પરિવહન સંસ્થાની બસોમાં તમામ મહિલા મુસાફરોને 50 ટકા રાહત આપવાની જાહેરાત કરી હતી. રીલીઝ મુજબ, MSRTC 15,000 થી વધુ બસો ચલાવે છે જેમાં દરરોજ 50 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે.
MSRTC અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ કેટલી મહિલાઓને મળશે તે નક્કી કરવું મુશ્કેલ છે કારણ કે તેઓ અગાઉ લિંગ-આધારિત ટિકિટો જારી કરતા ન હતા. MSRTCની ધારણા મુજબ મહિલા મુસાફરોની વસ્તી તેના કુલ બસ વપરાશકર્તાઓના 35-40 ટકાની રેન્જમાં હશે, એમ તેઓએ જણાવ્યું હતું. નોંધનીય છે કે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે, મહારાષ્ટ્ર સરકારે 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ભાડામાં 100 ટકા અને 65 થી 74 વર્ષની વય જૂથના મુસાફરો માટે 50 ટકા રાહતની જાહેરાત કરી હતી.