Good News! Coastal Road પ્રોજેક્ટની બીજી ટનલનું 50 ટકા કામ પૂરું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દક્ષિણ મુંબઈથી પશ્ચિમ ઉપનગરનો ટ્રાફિક હળવો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા કોસ્ટલ રોડ બાંધી રહી છે. કોસ્ટલ રોડમાં બે ટનલ બનાવવામાં આવી રહી છે. તેમાંથી પહેલી ટનલનું ખોદકામ જાન્યુઆરીમાં પૂરું થયા બાદ બીજી ટનલનું પણ લગભગ એક હજાર મીટરનું ખોદકામ પૂરું થઈ ગયું છે.
પાલિકાનો અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડમાં પહેલા તબક્કામાં પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સી લિંક સુધીનું લગભગ ૧૦ કિલોમીટરના પટ્ટાનું હાલ કામ ચાલી રહ્યું છે.
કોસ્ટલ રોડમાં પ્રિયદર્શની પાર્કથી મરીન ડ્રાઈવ સુધી બે ટનલ બાંધવામાં આવી રહી છે. આ ટનલ ગિરગામ ચોપાટી અને મલબારહિલની નીચેથી જવાની છે. ટનલનું ખોદકામ જમીનની નીચે ૧૦ મીટરથી ૭૦ મીટર નીચે કરવામાં આવી રહ્યું છે. પહેલી ટનલનું કામ આ વર્ષે જાન્યુઆરીમાં જ પૂરું થઈ ગયું હતું. હવે બીજી ટનલનું કામ પણ પૂરઝડપે કરવામાં આવી રહ્યું છે. ૨૯ જુલાઈ સુધી ટનલનું લગભગ ૧,૦૦૦ મીટરનું ખોદકામ જમીનની નીચે પૂરું થઈ ગયું છે. ટનલ માટે ‘માવળા’ નામના મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કોસ્ટલ રોડમાં મહત્ત્વની ગણાતી બે ટનલ બનાવવામાં આવવાની છે, જેમાં ટનલનું ખોદકામ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૧થી ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી ટનલનું ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારબાદ પહેલી ટનલનું ખોદકામ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૨ના પૂરું થયું હતું. ત્યાર બાદ બીજી ટનલનું ખોદકામ પહેલી એપ્રિલ, ૨૦૨૨થી ચાલુ કરવામાં આવ્યું હતું. ફક્ત ૧૧૯ દિવસમાં એક હજાર મીટરનો તબક્કો પાર કરવામાં આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.