સાયબર ફ્રોડ: વિદેશી બૅન્કમાં ઉચ્ચ પદે નોકરીની લાલચે ૫૦ લાખ રૂપિયા પડાવ્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વિદેશી બૅન્કમાં ટેક્નિકલ ડિરેક્ટરની નોકરી મેળવવાની લાલચમાં થાણેના રહેવાસીએ ૫૦ લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આશ્ર્ચર્યજનક એટલે શંકા જતાં ફરિયાદીએ ઠગ પાસેથી રૂપિયા પાછા માગ્યા હતા અને એ મેળવવા તેણે ૯.૬૯ લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
થાણેના કાપૂરબાવડી વિસ્તારમાં રહેતા અને મુંબઈના લોઅર પરેલ સ્થિત ખાનગી કંપનીમાં કામ કરતા ૪૭ વર્ષના ફરિયાદીએ આ પ્રકરણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે કાપૂરબાવડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સાયબર ઠગોએ મે, ૨૦૨૨થી અત્યાર સુધીમાં ૫૦.૭૧ લાખ રૂપિયા કથિત રીતે પડાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદીએ સારી નોકરી માટે એક વેબસાઈટ પર પોતાનો બાયોડેટા અપલૉડ કર્યો હતો. ૧૫ મે, ૨૦૨૨ના રોજ ફરિયાદીને નોકરી સંબંધિત કૉલ આવ્યો હતો. વિદેશની જાણીતી બૅન્કમાં ટેક્નિકલ ડિરેક્ટરના પદે નોકરી અપાવવાની લાલચ ફરિયાદીને આપવામાં આવી હતી. આરોપીઓએ અલગ અલગ મોબાઈલ નંબર અને ઈ-મેઈલથી ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને નોકરીની લાલચે વિવિધ બૅન્ક ખાતાંમાં રૂપિયા જમા કરાવવા તેને મજબૂર કર્યો હતો.
સૌપ્રથમ વેરિફિકેશન અને મીટિંગને બહાને ૬૨ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ નોકરી માટે પસંદગી થઈ હોવાનો લેટર બૅન્કની બોરીવલી શાખાના નામે મોકલાવી ૮.૭૭ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જીએસટી, એગ્રિમેન્ટ લેટર, સીટીસી એમ વિવિધ કારણો રજૂ કરી સમયાંતરે ફરિયાદીને અલગ અલગ બૅન્ક ખાતાંમાં રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. ખાસ્સી મોટી રકમ ભર્યા છતાં નોકરી ન મળતાં ફરિયાદીએ ઈન્ટરનેટ પરથી સંબંધિત બૅન્કના અધિકારીના નંબર મેળવી પૂછપરછ કરી હતી. ફરિયાદીને મોકલવામાં આવેલા દસ્તાવેજો બોગસ હોવાની ખાતરી થઈ હતી. પરિણામે ફરિયાદીએ પોતે ચૂકવેલા રૂપિયા પાછા માગ્યા હતા.
રૂપિયા પાછા આપવા માટે રિફંડ ફોર્મ ભરવું પડશે અને તેના માટે ૯.૬૪ લાખ રૂપિયા ભરવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું. રૂપિયા પાછા મેળવવા માટે ફરિયાદીએ આ રકમ પણ ઠગે જણાવેલા બૅન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. રૂપિયા પાછા ન મળતાં આખરે ફરિયાદીએ ૧૫ સપ્ટેમ્બરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.