Mumbai potholes

ખરાબ રસ્તાને કારણે થાણેમાં મહિનામાં પાંચ જણે જીવ ગુમાવ્યા

આમચી મુંબઈ

થાણે: થાણેમાં મુંબઈ-આગ્રા હાઈવે પર સ્કૂટર સ્કિડ થવાને કારણે પાછળ બેસેલો ૪૦ વર્ષનો શખસ ક્ધટેનર નીચે કચડાઈ જતાં મૃત્યુ પામ્યો હતો. ખરાબ રસ્તાને કારણે થાણેમાં છેલ્લા એક મહિનામાં આ પાંચમી વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા મુજબ રવિવારે રાતે બનેલી અકસ્માતની ઘટનામાં સંતોષ મિસ્ત્રીનું મૃત્યુ થયું હતું. સંતોષનો મિત્ર સ્કૂટર ચલાવી રહ્યો હતો અને તે પાછલી સીટ પર બેઠો હતો.
ખારેગાંવ નજીક સ્કૂટર એકાએક સ્કિડ થતાં બન્ને જણ સ્કૂટર પરથી નીચે પટકાયા હતા. એ જ વખતે પાછળથી આવેલું ક્ધટેનર સંતોષ પર ફરી વળ્યું હતું, જેને કારણે તેનું મૃત્યુ થયું હતું. સંતોષ થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં રહેતો હતો.
પાલિકા દ્વારા એવો દાવો કરાયો હતો કે રસ્તા પરના ખાડાને કારણે નહીં, પણ રસ્તા પર પડેલી માટીને કારણે આ ઘટના બની હતી. જોકે ખરાબ રસ્તાને કારણે થાણેમાં વારંવાર અકસ્માતો થતા હોવાની ચર્ચા છે. માત્ર જુલાઈ મહિનામાં જ ખરાબ રસ્તાને કારણે પાંચ જણનાં મૃત્યુ થયાં હોવાનું કહેવાય છે.
થાણે રાજ્યના નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ગઢ છે. વારંવાર બનતા અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાની તાજેતરમાં શિંદેએ નોંધ લીધી હતી અને રસ્તાના સમારકામ માટે સરકારની એજન્સીને સૂચના પણ આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.