પેશાવર: પાકિસ્તાનના પેશાવર શહેરમાં હાઇ-સિક્યોરિટી ઝોન ગણાતા પોલીસ લાઈન્સમાં સોમવારે બપોરે નમાજ દરમિયાન એક મસ્જિદમાં શક્તિશાળી આત્મઘાતી વિસ્ફોટ થયો હતો અને આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૪૬ જણ માર્યા ગયા હતા અને ૧૫૦ અન્ય ઘાયલ થયા હતા.
મૃતકો અને ઘાયલોમાં મોટા ભાગે પોલીસકર્મીઓ અને સુરક્ષા અધિકારીઓ હતા.
પોલીસ લાઈન્સ વિસ્તારની મસ્જિદમાં બપોરે ૧.૪૦ વાગ્યાની આસપાસ બપોરની નમાજ દરમિયાન આગળની હરોળમાં હાજર એક આત્મઘાતી બૉમ્બરે પોતાની જાતને ઉડાવી દીધા બાદ વિસ્ફોટ થયો હતો .
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના માર્યા ગયેલા કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાનીના ભાઈએ એવો દાવો કર્યો હતો કે ગયા ઓગસ્ટમાં એનો ભાઇ અફઘાનિસ્તાનમાં માર્યો ગયો હતો અને આ આત્મઘાતી હુમલો તેના ભાઈનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાની તાલિબાન તરીકે ઓળખાતા પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને ભૂતકાળમાં સુરક્ષાકર્મીઓને નિશાન બનાવીને અનેક આત્મઘાતી હુમલાઓ કર્યા છે.
ડેપ્યુટી કમિશનર શફીઉલ્લા ખાને જણાવ્યું હતું કે શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૪૬ જણ માર્યા ગયા હતા અને ૧૫૦ અન્ય ઘાયલ થયા હતા.
વિસ્ફોટ સમયે ૩૦૦ થી ૪૦૦ પોલીસ અધિકારીઓ આ વિસ્તારમાં હાજર હતા.
પેશાવરના પોલીસ અધીક્ષક, શઝાદ કૌકબેએ જણાવ્યું હતુ કે તે નમાજ પઢવા માટે મસ્જિદમાં પ્રવેશ્યા બાદ તરત જ વિસ્ફોટ થયો હતો. સદ્નસીબે તે હુમલામાં બચી ગયો.
પોલીસ લાઈન્સની અંદર અત્યંત સુરક્ષિત મસ્જિદમાં જ્યાં મસ્જિદમાં પ્રવેશવા માટે ચાર સ્તરોની સુરક્ષા ગોઠવવામાં આવી હતી, ત્યાં બૉમ્બર પ્રવેશ્યો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મસ્જિદનો એક હિસ્સો ધરાશાયી થયો છે અને ઘણા લોકો તેની નીચે દબાયા છે. બચાવ ટુકડી એમને કાઢવાનો પ્રયાસ કરી રહી છે.
ઘાયલોને પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ઘાયલ થયેલા લોકોમાંથી તેર જણની હાલત ગંભીર છે.
ગયા વર્ષે શહેરના કોચા રિસાલદાર વિસ્તારમાં શિયા મસ્જિદની અંદર આવા જ હુમલામાં ૬૩ જણ માર્યા ગયા હતા.
કામચલાઉ મુખ્ય પ્રધાન આઝમ ખાન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને હુમલાની નિંદા કરી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. (એજન્સી)