અમેરિકાના સેન એન્ટોનિયો શહેરમાં એક ટ્રકમાંથી 46 મૃતદેહ મળી આવતા ચકચાર, મેક્સિકોથી 100 લોકોને સરહદ પાર કરાવાઈ રહી હતી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવા લોકોના જીવ ગયા હોય એવા સમાચાર વારંવાર મળતા હોય છે ત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સોમવારે એક ટ્રકમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ છે. 4 બાળકો સહિત 16 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે. આ ટ્રકની લોરીમાં 100 થી વધુ લોકોને ઠાંસીઠાંસીને ભરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ સોમવારની સાંજે 6 વાગ્યાની આસપાસ સ્થાનીય પોલીસને સેન એન્ટોનિયો શહેરમાં રોડના કિનારે એક શંકાસ્પદ ટ્રક પાર્ક કરેલી હોવાની જાણકારી મળી હતી. પોલીસ અધિકારીઓ પહોંચ્યા ત્યારે ટ્રકની બાજુમાં જમીન પર થોડાક મૃતદેહો પડ્યા હતા, ટ્રકનો દરવાજો અડધો ખુલ્લો હતો. તપાસ કરતા કુલ 46 લોકો મૃત હાલતમાં અને 16 લોકો ગંભીર હાલતમાં મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પોલીસની ટીમે તેમને બહાર કાઢ્યા ત્યારે તેમની ચામડી અતિશય ગરમ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અતિશય ગરમીના કારણે ટ્રકના કન્ટેનરનું તાપમાન ખુબ વધી ગયું અને લોકો હીટ સ્ટ્રોક અને ડિહાયડ્રેશનનો શિકાર બન્યા હોવા જોઈએ. 100 લોકોને એક જ ટ્રકમાં બેસાડી ગેરકાયદેસર રીતે મેક્સિકો-યુએસએ સરહદ પાર કરાવવામાં આવી રહી હતી. સાન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી લગભગ 250 કિમી દૂર છે.
અધિકારીઓએ આપેલી માહિતી મુજબ ટ્રકના કન્ટેનરની અંદર વેન્ટિલેશન માટે કોઈ જગ્યા ન હતી અને પીવાના પાણી માટે પણ કોઈ સુવિધા ન હતી. સોમવારે અહીંનું તાપમાન 39.4 ડિગ્રી સેલ્સિયસ હતું જેને કારણે હીટ સ્ટ્રોક લાગવાથી આ બનાવ બન્યો હોવો જોઈએ. વધુ તપાસ હાથ ધરાઈ છે.
સેન એન્ટોનિયો પોલીસ વિભાગના વડા વિલિયમ મેકમેનસે જણાવ્યું હતું કે હાલ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જો કે આ ત્રણ લોકોમાં ટ્રક ડાઇવર સામેલ છે કે કેમ તે અંગે તેમણે જણાવ્યું ન હતું.
ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ ઘટના માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને જવાબદાર ઠેરવ્યા છે. એબોટે કહ્યું કે આ ઘટના જોખમી ઓપન બોર્ડર નીતિને કારણે ઘટી છે.

“>

મેક્સિકન વિદેશ પ્રધાને કહ્યું કે પીડિતોની નાગરિકતા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. દૂતાવાસના અધિકારીઓ તેમની ઓળખ માટે સ્થળ પર પહોંચી રહ્યા છે.

મેક્સિકોથી યુએસ સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા મૃત્યુ પામેલા હજારો લોકોમાં આ સૌથી ભયંકર દુર્ઘટના માનવામાં આવી રહી છે. આ પહેલા 2017માં સાન એન્ટોનિયોમાં વોલમાર્ટ પાસે પાર્ક કરાયેલી ટ્રકની અંદર 10 માઈગ્રન્ટ્સના મૃત્યુ દેહો મળ્યા હતા. 2003માં સાન એન્ટોનિયોના દક્ષિણપૂર્વમાં 19 લોકો કરનારા એક ટ્રકમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.