વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલે ગુરુવારે મોડી રાત્રે ભારતમાં વિવિધ વિભાગોના 453 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ગૂગલે તેના કર્મચારીઓને પોસ્ટ દ્વારા તેમની બરતરફી અંગે જાણ કરી છે. હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. ગયા મહિને જ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે કહ્યું હતું કે તે તેના વૈશ્વિક માનવશક્તિના લગભગ 6 ટકા એટલે કે લગભગ 12000 કર્મચારીઓની છટણી કરશે. હવે સવાલો ઉઠી રહ્યા છે કે 453 લોકોની છટણીમાં 12,000 નોકરીઓમાં કાપનો સમાવેશ થાય છે કે પછી છટણીનો નવો રાઉન્ડ શરૂ થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગૂગલ ઈન્ડિયાના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તાએ કર્મચારીઓને એક મેઈલ મારફતે તેમની બરતરફી અંગે જાણ કરી છે. આ કાર્યવાહી ગુરુવારે મોડી રાતે કરવામાં આવી હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈનો એક મેસેજ પણ છટણીના મેઈલ સાથે સામેલ છે. જેમાં તેણે કંપનીમાં થઈ રહેલી છટણીની સંપૂર્ણ જવાબદારી લીધી છે.
ઉલ્લેખનીય છે કે ટેક કંપનીઓ આર્થિક મંદીના બહાને નોકરીઓ છીનવી રહી છે. ઉટણીનો આશરો લેનારી ગુગલ જ એક માત્ર ટેક કંપની નથી. એમેઝોન પણ તેના કર્મચારીઓમાંથઈ 18,000 લોકોને છૂટા કરવાની યોજના બનાવી રહ્યું છે, જે અગાઉના 10,000 કર્મચારીઓના અંદાજ કરતા વધારે છે. એ ઉપરાંત ફેસબુક એટલે કે મેટાએ 13,000 કર્મચારીની છટણી કરી છે.