દેશમાં ગણેશ વિસર્જન વખતે ૪૫નાં મોત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રમાં વીસ, હરિયાણામાં સાત, યુપીમાં આઠ ડૂબ્યા

ભક્તિભાવ સાથે વિદાય: મુંબઇમાં ગિરગામ ચોપાટી ખાતે ‘લાલબાગચા રાજા’ અને ગણપતિની અન્ય મૂર્તિઓનું ભક્તિભાવ સાથે વાજતે ગાજતે વિસર્જન કરાયું હતું.

નવી દિલ્હી: ગણપતિ વિસર્જન વખતે ડૂબવાથી અથવા સંબંધિત અન્ય દુર્ઘટનામાં મહારાષ્ટ્રમાં ૨૦, હરિયાણામાં ૭ અને ઉત્તર પ્રદેશમાં ૮ સહિત દેશમાં ઓછામાં ઓછા ૪૫ જણ મૃત્યુ પામ્યાં હતાં અને અંદાજે ૧૦૦ જણ ઘાયલ થયા હતા. મહારાષ્ટ્રના વર્ધા, યવતમાલ અને અહમદનગર જિલ્લાઓમાં ૧૪ જણનાં મોત વિસર્જન દરમ્યાન ડૂબી જવાથી થયા હતા તો નાગપુર ખાતે વિસર્જન દરમ્યાન થયેલા એક અકસ્માતમાં ૪ જણનાં મોત થયાં હતાં. થાણેમાં કોલબાડ વિસ્તારમાં શુક્રવાર રાત્રે એક ગણેશ મંડપ પર ભારે વરસાદને કારણે ઝાડ તૂટી પડતા પંચાવન વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર ભક્તો ઘાયલ થયા હતા. પનવેલમાં ગણેશ વિસર્જનના સરઘસ દરમ્યાન વીજળીનો શોક લાગવાથી નવ વર્ષની બાળકી સહિત ૧૧ જણ ઇજા પામ્યા હતા.
કેટલાક રાજકારણ પ્રેરિત બનાવો પણ બન્યા હતા. અહમદનગર જિલ્લાના તોપખાના આગળ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામસામે બાખડી પડ્યા હતા. જલગાંવમાં પણ કેટલાક લોકોએ મેયરના બંગલા ઉપર પથ્થરમારો કર્યો
હતો. આ ઉપરાંત પુણેના શહેરી અને ગ્રામીણ વિસ્તારો તેમ જ
ચંદ્રપુરમાં પણ બે જૂથ વચ્ચે ઝપાઝપીની છૂટીછવાઇ ઘટનાઓ બની હતી.
બીજી બાજુ હરિયાણાના મહેન્દ્રગઢમાં એક કેનાલમાં ગણેશજીની મૂર્તિ સાથે આઠ લોકો તણાઇ ગયા હતા, જેમાંથી ચારના મોત થયાના અહેવાલ છે. અહીં હજુ બચાવ કામગીરી ચાલુ છે. સોનીપતની યમુના નદીમાં પણ તણાઇ જવાથી બેનાં મોત થયાં હતાં.
ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લામાં આઠ લોકોનાં મોત થયાં હતાં. સંત કબીરનગરમાં ચાર ભાઇબહેન ડૂબી ગયા હતા તો લલિતપુર અને ઉન્નાવમાં વિસર્જન દરમ્યાન ડૂબી જવાથી બે-બે લોકોનાં મોત થયાં હતાં.
દરમ્યાન એકલા મુંબઇ શહેરમાં જ ગણેશજીની ૩૮,૦૦૦થી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ આંકડો શનિવાર સવાર સુધીનો હતો.
આ મૂર્તિઓ ગિરગાવ ચોપાટી, શિવાજી પાર્ક્, બાન્દ્રા, જૂહુ અને મલાડ ચોપાટી ખાતેના અરબી સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગોરાઇ ખાડી, શહેરના વિવિધ કુદરતી અને કૃત્રિમ તળાવોમાં પણ ગણેશમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
કુલ ૩૮૨૧૪ મૂર્તિઓમાંથી ૩૧,૨૫૯ મૂર્તિઓ ઘરગૂતિ હતી તો ૬૬૪૭ મૂર્તિઓ સાર્વજનિક મંડપોમાં વિરાજમાન હતી, ૩૦૮ મૂર્તિઓ મા ગૌરીની પણ હતી, એમ સુધરાઇના એક અધિકારીએ જણાવ્યું હતું. કૃત્રિમ તળાવોમાં કુલ ૯૭૫૧ મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી જ્ેમાં ૭૯૬ સાર્વજનિક મંડળની મૂર્તિઓનો પણ સમાવેશ થાય છે.
શહેરના મુખ્ય આકર્ષણ સમાન લાલબાગની મૂર્તિનું વિસર્જન શનિવારે સવારે ૯.૧૫ વાગે ગિરગાવ ચોપાટી ખાતે કરવામાં આવ્યું હતું. ૨૨ કલાક અગાઉ શુક્રવારે આ ગણેશ વિસર્જનનું સરઘસ શરૂ થયું હતું.
નગરપાલિકા તરફથી પણ વિવિધ મોટર બોટ્સ અને તરાપાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગલીએ ગલીએ ૩૨૦૦ પોલીસ અધિકારીઓ સહિત ૨૦,૦૦૦થી વધુ પોલીસ જવાનો ફરજ પર રખાયા હતા. આ ઉપરાંત આરપીએફની આઠ , રેપિડ ઍક્શન ફોર્સની એક અને ૭૫૦ હોમગાર્ડ્સ પણ તૈનાત રાખવામાં આવ્યા હતા. ૭૩ કુદરતી અને ૧૬૨ કૃત્રિમ તળાવો પર સુધરાઇ દ્વારા વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૧૮૮ કંટ્રેલરૂમ્સ અને પ્રાથમિક સારવાર કેન્દ્રો ઊભા કરાયા હતા. ૮૩ એમ્બ્યુલન્સ તેમ જ ૭૮૬ લાઇફ ગાર્ડ્સ વિવિધ વિસર્જન સ્થળો પર હાજર રખાયા હતા. ૧૦,૦૦૦થી વધુ પાલિકાના કર્મચારીઓએ પણ વ્યવસ્થા જાળવવા સાથ આપ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.