જાદુઈ ઘડાની ભ્રમજાળમાં બોરીવલીના વૃદ્ધ સાથે ૪૫ લાખની ઠગાઈ પ્રકરણે પાંચ પકડાયા

આમચી મુંબઈ

ફરિયાદીને મદદ કરવાને બહાને પત્રકારે આરોપી પાસેથી ૧૮ લાખ રૂપિયા વસૂલ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: જાદુઈ ઘડાની ભ્રમજાળમાં સપડાવી બોરીવલીના સિનિયર સિટીઝન પાસેથી ૪૫ લાખ રૂપિયા કથિત રીતે પડાવવાના કેસમાં પોલીસે મહિલા સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. આ કેસમાં ફરિયાદીને મદદ કરવાને બહાને યુટ્યૂબના પત્રકારે આરોપી પાસેથી ૧૮ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં સામે આવતાં પોલીસે પત્રકારને પણ લૉકઅપભેગો કર્યો હતો.
દહિસર પોલીસે ધરપકડ કરેલાં આરોપીઓની ઓળખ પ્રિયા સતીશ સોની (૩૯), અજિત નારાયણ પાટીલ ઉર્ફે ગોપાલ (૩૩), કૈલાસ નહરજી નાથ (૫૦), ગણેશ યશવંત પિળાવલે ઉર્ફે પવાર (૨૯) અને દીપક જનાર્દન કોટેકર (૩૯) તરીકે થઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર બોરીવલીમાં રહેતા ૭૨ વર્ષના ફરિયાદીને દાદરમાં નવો ફ્લૅટ ખરીદવાની ઇચ્છા હતી. આ નિમિત્તે તેમની ઓળખાણ વસઈમાં રહેતી આરોપી પ્રિયા અને કલ્યાણમાં રહેતા અજિત સાથે થઈ હતી. આ બન્નેએ ફરિયાદીની ઓળખ ગણેશ પવાર સાથે કરાવી હતી. ગણેશના વતન સાતારામાં જાદુટોણાથી રૂપિયા બમણા થતા હોવાની લાલચ ફરિયાદીને અપાઈ હતી.
લાલચમાં સપડાયેલા ફરિયાદી જૂનના પ્રથમ અઠવાડિયામાં ગણેશ પવારના સાતારા સ્થિત ઘરે ગયા હતા. ત્યાં આરોપી કૈલાસ નાથ બે સાથી સાથે તાંત્રિકના વેશમાં તેમને મળ્યો હતો. તેણે પોતાની ઓળખ કૈલાસ બાબા તરીકે આપી હતી. કૈલાસ બાબાએ ફરિયાદીને એક ઘડામાં ૫૦૦ અને ૨૦૦૦ના મૂલ્યની નોટો મૂકીને તેને બમણી થતી દર્શાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદીએ પચીસ લાખ રૂપિયા આરોપીને આપ્યા હતા. એક ઘડામાં આ રકમ રાખી તેને પેટીમાં મૂકવામાં આવ્યો હતો. ત્રણ દિવસ બાદ રકમ બમણી થવાને બદલે ફરિયાદીના પચીસ લાખ રૂપિયા પણ ગુમ થઈ ગયા હતા. લક્ષ્મીમાતા કોપાયમાન થયાં હોવાથી તેમને શાંત કરવાને બહાને આરોપીએ વધુ ૨૦ લાખ રૂપિયા ફરિયાદી પાસેથી પડાવ્યા હતા.
રૂપિયા ગુમાવનારા ફરિયાદીએ વસઈમાં રહેતા યુટ્યૂબના પત્રકાર દીપક કોટેકરનો સંપર્ક સાધ્યો હતો. મદદ કરવાને બહાને બધી વિગતો જાણી લીધા પછી કોટેકરે આરોપી અજિત પાસેથી ૧૮ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. આરોપીઓએ આ રીતે અન્ય કોઈને છેતર્યા છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.