દર્દીઓના થશે હાલ બેહાલ! ગુજરાતના 40,000 પ્રાઈવેટ ડોક્ટર હડતાળ પર, ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે રાજ્યભરના ડોક્ટરોની માગણી

આપણું ગુજરાત

ગુજરાતની ખાનગી હોસ્પિટલના 40,000 કરતાં વધુ ડોક્ટર આજથી એટલે કે શુક્રવારથી હડતાળ પર જઈ રહ્યા હોવાથી 30,000 કરતાં વધુ સર્જરી અટકાઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી આજે ગુજરાતના દર્દીઓ સરકારી હોસ્પિટલ તરફ વળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન લાગી છે. નોંધનીય છે કે ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. હોસ્પિટલો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જે દર્દી હોસ્પિટલમાં એડમિટ છે તેમની સારવાર પર અસર થશે નહીં.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર કેટલીક ખાનગી હોસ્પિટલો પૂર્વ આયોજિત સર્જરીને ન્યાય આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક એવા દર્દીઓ છે, જેઓ મેડિકલ વીમો ધરાવતા હોય છે, જેમને પોતાની સર્જરી કે ઓપરેશન માટે ઇન્શ્યોરન્સ કંપનીનું એપ્રૂવલ લઈ લીધું હોય અને આજે ઓપરેશનની તારીખ નક્કી કરવામાં આવી હોય તેવા કિસ્સાઓને જ ઓપરેટ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં હોસ્પિટલો માટે ફાયર સેફ્ટી અંગે સરકારના નવા નિયમો સામે વિરોધના ભાગરૂપે આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની આશરે 2000થી વધુ હોસ્પિટલોમાં સજ્જડ હડતાળનું એલાન ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આપવામાં આવ્યું છે. અત્યારસુધીના વિરોધમાં ઈમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવતી હતી, પરંતુ આજ રોજ ઇમર્જન્સી સારવાર પણ નહીં કરવા અને OPD પણ બંધ રાખવા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન લાગી છે, જોકે સિવિલ હોસ્પિટલમાં રાબેતા મુજબ ઇમર્જન્સી તેમજ OPD ચાલુ રાખવામાં આવી છે અને તમામ ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફને ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

આજે રાજ્યભરના ખાનગી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે વડોદરા શહેર-જિલ્લાના 3000 હજાર ઉપરાંત તબીબો હડતાળ ઉપર ઉતરી જતાં, પ્રવર્તમાન ઋતુજન્ય રોગચાળાનો ભોગ બનેલા દર્દીઓને હાલાકી ભોગવવી પડી છે. IMAના પ્રમુખે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોર પર ICU વોર્ડ ઉભો કરવો શક્ય જ નથી. લોકોના સંપર્કથી દુર અને ઈમરજન્સીમાં સારવાર થઇ શકે તે રીતે ઓપરેશન થિયેટરની નજીક જ ICU વોર્ડ હોવો જોઈએ એવામાં કોર્ટના હુકમનો અમલ કરાવતી સરકાર તબીબોની જરૂરીયાતો સંભાળવા પણ તૈયાર નથી. આ નિર્ણય તબીબો પર થોપતા પહેલા એક પણ વાર IMAના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી નથી. જેના કારણે તબીબોમાં ભારે અસંતોષ છે. કોરોના કાળમાં આગની ઘટનાની સજા તમામ તબીબોને ન મળવી જોઈએ. આજે વડોદરા શહેર-જિલ્લાના તબીબોએ આજે એક દિવસીય સજ્જડ હડતાલમાં હોસ્પિટલો બંધ રાખી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો છે અને સરકારમાં રજૂઆત કરીશું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ બાદ ડોકટરોમાં રોષ ફેલાયો છે. સાયન્ટિફિક રીતે ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી અને બારીઓના કાચ દૂર કરવાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ડોકટરો દ્વારા હડતાળનો ખૂબ જ મજબૂત અને કડક રીતે અમલ કરવામાં આવશે. ગુજરાતના 40 હજારથી વધુ ડોકટરો ઇમર્જન્સી અને OPD સેવા બંધ રાખી હડતાળ કરવાના છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.