એરપોર્ટ ફનેલ આસપાસની ૪૦૦ બિલ્ડિંગોને સાત વર્ષ પછી પણ નિયમાવલીની પ્રતીક્ષા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: એરપોર્ટની આસપાસ આવેલા વિલે પાર્લે, સાંતાક્રુઝ અને કુર્લા વિસ્તારના ‘એરપોર્ટ ફનેલ’વાસીઓને ચારથી નવ વધારાની એફએસઆઈ આપવાનો મુંબઈ મહાનગરપાલિકાનો અર્બન ડેવલપમેન્ટ વિભાગને મોકલવામાં આવેલો પ્રસ્તાવ ફળદ્રુપ ન થઇ રહ્યો હોવાનું સ્પષ્ટ થયા બાદ હવે તેના વિકલ્પને શોધવામાં આવી રહ્યો છે. આને કારણે એરપોર્ટ ફનેલવાસીઓની અંદાજે ૪૦૦ બિલ્ડિંગનો પુનર્વિકાસ રખડી પડ્યો છે.
એરપોર્ટ ફનેલવાસીઓના પુનર્વિકાસનો પ્રશ્ર્ન નવેમ્બર, ૨૦૧૬માં પહેલી વાર રજૂ કરવામાં આવ્યો હતો. એ સમયથી અત્યાર સુધી આ પ્રશ્ર્ન પર કોઇ મોટી પ્રગતિ થઇ નથી. વિલે પાર્લે અને સાંતાક્રુઝ વિસ્તાર માટે અનુક્રમે ૪.૪૮થી ૪.૯૭, જ્યારે કુર્લા વિસ્તાર માટે ૯.૨૨ એફએસઆઈ પ્રસ્તાવિત કરવાનો વિકલ્પ પાલિકાએ તૈયાર કર્યો હતો. જોકે આ વિસ્તરમાં બિલ્ડિંગની ઊંચાઈ પર પ્રતિબંધ હોવાને કારણે આ એફએસઆઈનો વપરાશ કરવો શક્ય નહોતો. આને કારણે ઊભા થતા ટીડીઆરને અન્ય ઠેકાણે વાપરવાની સવલત આપવાનો પ્રસ્તાવ હતો, પરંતુ એ પણ વ્યવહારુ ન થયું હોવાનું સ્પષ્ટ થતાં એ પ્રસ્તાવ પણ ઊડી ગયો હતો.
આ બિલ્ડિંગના પુનર્વિકાસ માટે વધારાની એફએસઆઈ મળે અને બિલ્ડિંગના પુનર્વિકાસ માટે એફએસઆઈને સબટ્રેક કરીને વધારાની એફએસઆઈને ટીડીઆરના સ્વરૂપમાં વેચવાની પરવાનગી આપીને બાંધકામનો ખર્ચ કરવો, એવી માગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. નવા ડેવલપમેન્ટ પ્લાનમાં તેનો ઉલ્લેખ કરવામાં આવશે, એવું કહેવામાં આવ્યું હતું, પણ પ્રત્યક્ષ રીતે આ વિષય હજી પેન્ડિંગ જ રાખવામાં આવ્યો છે. નવા ડેવલપમેન્ટ કંટ્રોલ નિયમાવલીમાં વિશેષ જોગવાઈ લાવવા માટેનો અર્બન ડેવલપમેન્ટ વિભાગના અધિકારીઓએ વિરોધ કર્યો હતો. નવા ડેવલપમેન્ટ કંટ્રોલ નિયમાવલીમાં આ વિસ્તાર ‘એરપોર્ટ ફનેલબાધિત’ તરીકે જાહેર કરવો, એ માટે મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર, સ્થાનિક વિધાનસભ્ય પરાગ અળવણીએ પ્રયત્ન કર્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.