પશ્ચિમ આફ્રિકાના મધ્ય સેનેગલના કેફ્રીન શહેર નજીક રવિવારે બે બસની ટક્કરમાં 40 લોકોના મોત થયા હતા, જ્યારે 87 લોકો ઘાયલ થયા હતા, એમ સત્તાવાર જણાવાયું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર એક ખાતે રવિવારે સવારના 3.15 વાગ્યે અકસ્માત થયો હતો, જેમાં અકસ્માતમાં 40 જણનાં મોત થયા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને કેફ્રીન હોસ્પિટલ અને મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રમુખ અને અગ્નિશમન સેવાઓના જણાવ્યા અનુસાર રવિવારે મધ્ય સેનેગલના કેફ્રીન શહેરની નજીક બે બસો અથડાતાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. અહીં એ જણાવવાનું કે આ ઘટનાને લઈને પ્રમુખ મેકી સેલે સોમવારથી ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. રવિવારે પ્રમુખ મેકી સેલે એક ટિવટમાં માહિતી આપતા અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે અને ઘણાને ગંભીર ઇજાઓ પણ થઈ છે.
હું આ દુ:ખદ માર્ગ અકસ્માતથી ખૂબ જ દુઃખી છું. ‘હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી મનોકામના કરું છું, એમ જણાવ્યું હતું.
સેનેગલમાં માર્ગ અકસ્માતો સામાન્ય માનવામાં આવે છે, જેમાં મોટાભાગે ડ્રાઇવરની અનુશાસનહીનતા, નબળા રસ્તા અને જર્જરિત વાહનોને કારણે અકસ્માતો વધારે થાય છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.