(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને ભાજપની મદદથી મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદ અને તેમને સમર્થન આપનારા વિધાનસભ્યોની શિવસેનાના (ઉદ્ધવ ગ્રુપ) નેતા સુષમા અંધારેએ ફરી એક વખત જોરદાર ટીકા કરી છે.
થોડા દિવસ પહેલા એક ગાડીમાં એકનાથ શિંદે બેઠા હતા અને ગાડીનું સ્ટિયરિંગ દેવેન્દ્ર ફડણવીસના હાથમાં હતું. આ બનાવને લઈને સુષમા અંધારેએ કહ્યું હતું કે ‘આ જ ખરું ચિત્ર છે. મારા ૪૦ ભાઈઓ કોપી કરીને પાસ થયા છે. તમને ખબર નથી પડતી કે બધા માલધારી ખાતા ભાજપ પાસે છે અને મારા ભાઈઓ પાસે બધા નકામા ખાતા છે’ એવો કટાક્ષ પણ સુષમા અંધારેએ કર્યો હતો.
મહાપ્રબોધન યાત્રાને રાજ્યમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જ મુખ્ય પ્રધાનપદ પર શપથ ગ્રહણ કરશે એવો દાવો પણ સુષમા અંધારેએ કર્યો હતો. આ દરમિયાન અંધારે આ સભામાં ભાજપના એક નેતાનો વિડિયો પણ બતાવ્યો હતો. ભાજપના એક નેતાએ નારાયણ રાણે, પ્રતાપ સરનાઈક, ભાવના ગવળી, યશંવત જાધવ, આનંદ અડસૂળ, અર્જુન ખોતકર પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા. જેમના પર આરોપ કરવામાં આવ્યા હતા, તે તમામ લોકોની તપાસ પણ હવે રોકી દેવામાં આવી છે, એવા આરોપ પણ સુષમા અંધારેએ કર્યા હતા.
સુષમા અંધારેએ પોતાના ભાષણમાં ભાજપના નેતા ચિત્રા વાઘનું નામ નહીં લેતા તેમની ટીકા કરતા કહ્યું હતું કે સંજય રાઠોડ હવે નિર્દોષ જણાય છે, તો પછી આત્મહત્યા કરનારી પૂજા રાઠોડની જાણીજોઈને બદનામી શા માટે તેમણે કરી હતી. બીકેસીમાં મોટી સભા યોજવામાં આવી હતી, તેની પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપના નેતા ચુપ કેમ બેઠા છે? આંદોલન કરનારા અણ્ણા હજારે કયાં ગયા? એવા સવાલ પણ તેમણે કર્યા હતા.
મહાપુરુષનું અપમાન થયું છતાં દેવેન્દ્ર ફડણવીસ ચુપ રહ્યા. કર્ણાટકમાં મહારાષ્ટ્રની ગાડીઓ નુકસાન પહોંચાડવામાં આવ્યું. ત્યાંના મુખ્ય પ્રધાન આક્રમક થઈને બોલે છે, જ્યારે અમારા મુખ્ય પ્રધાન ગરબા રમવા માટે ગુવાહાટીમાં જાય છે. મહાપુરુષનું અપમાન થયું, મહારાષ્ટ્ર-કર્ણાટક વિવાદ સળગી ઉઠ્યો છે, છતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના મોઢામાંથી એક અક્ષર નીકળતો નથી. દેવેન્દ્ર ફડણવીસ સાદો નિંદાજનક ઠરાવ પણ રજૂ કરતા નથી. તમને સાવરકર આટલા પ્રિય હતા, તો તેમને ભારતરત્ન કેમ આપતા નથી? ગુજરાતમાં સૌથી ઊંચું પૂતળું ઊભું કર્યું તો સાવરકરનું પૂતળું કેમ ઊભું કરતા નથી? એવા સવાલ પણ સુષમા અંધારેએ કર્યા હતા.
૪૦ ભાઈઓ કોપી કરીને પાસ થયા: સુષમા અંધારેનો શિંદે જૂથ પર શાબ્દિક હુમલો
RELATED ARTICLES