અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં પરિવાર વિંખાયો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ખેડા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં કમકમાટી ભર્યાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-વડોદરા એક્સપ્રે હાઇવે પર મહેમદાવાદના રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ગુરુવારની રાત્રે અમદાવાદથી વડોદરા તરફ જતી એક કારને અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર હાઈવે પર ઊભેલા કન્ટેનરમાં ઘુસી ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં રહેલા ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યાં મોત થયા હતા. મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક અઢી વર્ષના બાળકનો સમાવેશ થાય છે. તમામ મૃતકો અમદાવાદ શહેરના વટવાના રહેવાસી છે.
ઘટનાની માહિતી હાઈવે પેટ્રોલિંગના કર્મીઓને મળતા તેમણે મહેમદાવાદ પોલીસને જાણ કરી હતી. આ બાદ ક્રેન મારફત કારને અલગ કરી કારમાં રહેલા તમામ મૃતદેહોને બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
એવી માહિતી મળી છે કે ભરૂચ ખાતે પરિવારના એક સભ્યને અકસ્માત નડ્યા બાદ પરિવાર કારમાં સવાર થઈને તેની તબિયત પૂછવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન પરિવારને પણ નડિયાદ ખાતે અકસ્માત નડ્યો હતો. રોડની બાજુમાં ઊભેલા એક કન્ટેનર સાથે કારની ટક્કર થઈ હતી. જેમાં તમામ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યું થયા હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.