થાણે: ડોંબિવલીમાં વેપારીનું અપહરણ કર્યા બાદ તેના છુટકારા માટે રૂ. ૫૦ લાખની ખંડણી માગવા પ્રકરણે પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી.
માનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે પ્લાયવૂડની દુકાન ધરાવનારા હિંમત નાહરનું બુધવારે અપહરણ કરવામાં આવ્યું હતું. વેપારીનો છુટકારો કરાવીને ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની ઓળખ સંજય રામકિસન વિશ્ર્વકર્મા, સંદીપ રોકડે, ધર્મા અંબાદાસ કાંબળે અને રોશન સાવંત તરીકે થઇ હતી. ડોંબિવલીમાં રહેતો સંજય વિશ્ર્વકર્મા મુખ્ય આરોપી હોઇ તે સુથારીકામ કરે છે. વેપારી પાસેથી તેણે રૂ. ત્રણ લાખનું પ્લાયવૂડ ખરીદ્યું હતું અને પૈસા ચૂકવવા માટે તે વેપારીને એટીએમ સેન્ટરમાં લઇ ગયો હતો. દરમિયાન એટીએમ મશીનમાં ખામી હોવાનું જુઠ્ઠાણું ચલાવીને બીજા એટીએમ સેન્ટરમાં જવાને બહાને તેણે વેપારીનું કારમાં અપહરણ કર્યું હતું.
આરોપીએ ત્યાર બાદ વેપારીના પરિવારનો સંપર્ક સાધ્યો હતો અને રૂ. ૫૦ લાખની ખંડણી માગી હતી. પરિવારજનોએ આની જાણ પોલીસને કરતાં આરોપીઓને પકડવા પોલીસની ચાર ટીમ તૈયાર કરવામાં આવી હતી. આરોપીઓએ વેપારીના પરિવારને ખંડણીની રકમ લઇને મુંબઈ-આગ્રા હાઇવે પર ગોટેઘર ટનલ નજીક આવવાનું કહ્યું હતું.
આથી પોલીસ ટીમ ગામવાસીઓનો વેશ ધારણ કરીને ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યાંથી ત્રણ આરોપીને તાબામાં લીધા હતા. વેપારીને ગામના જે ઘરમાં ગોંધી રાખવામાં આવ્યો હતો ત્યાંથી ચોથા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અંધારાનો લાભ લઇ એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.
