આપણા દેશમાં બેરોજગારી અને વસતી વધારાની સમસ્યા એટલી વકરી રહી છે કે નોકરી મેળવવા માટે દેશના કે દુનિયાના કોઈ પણ ખૂણે લોકો જવા માટે તૈયાર થઈ જાય છે. આ જ કારણ છે કે તમને દુનિયાના અલગ અલગ ખૂણામાં કોઈને કોઈ સ્વરૂપે ભારતીયોની હાજરી જોવા મળી રહી છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું એક એવી નોકરી વિશે કે જ્યાં સાડાચાર કરોડ રૂપિયાના પગાર અને રહેવા માટે ચાર બેડરૂમનો આલિશાન ઘર આપવાની જાહેરાત છતાં કોઈ અહીં નોકરી કરવા માટે તૈયાર નથી. આ નોકરી છે એક ડોક્ટરની અને વાત થઈ રહી છે ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયામાં ઓફર કરવામાં આવતી ઓ જોબ કરવા માટે પણ મૂળભૂત લાયકાત અને ડિગ્રી હોવી જરૂરી છે.
એક અહેવાલ અનુસાર ઓસ્ટ્રેલિયાના દૂર-સૂદુર ગામમાં આ વેકેન્સી બહાર પાડવામાં આવે છે, અહીં નોકરી કરનાર ડોક્ટરને ધરખમ પગારની સાથે સાથે જ રહેવા માટે આલિશાન ઘર પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં અહીં નોકરી કરવા માટે કોઈ તૈયાર નથી. આ નાના ગામડામાં એક જનરલ પ્રેક્ટિશનરની જરૂર છે. ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થથી 170 કિલોમીટર દૂર આ ગામ આવેલું છે જ્યાં 600 લોકો રહે છે. વર્ષોથી અહીં પ્રેક્ટિસ કરનારા ડોક્ટરનો અભાવ છે.
ડોક્ટરની અછતને કારણે અહીં મેડિકલ સંબંધિત વસ્તુઓ પણ ધીરે ધીરે બંધ પડી રહી છે. ગામવાસીઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા આ અનોખી ઓફર કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, વર્ષ 2031 સુધીમાં, જો ઓસ્ટ્રેલિયામાં આવી જ પરિસ્થિતિ રહી તો 11 હજાર જેટલા ડોક્ટરોની અછત સર્જાશે.