Homeઆમચી મુંબઈડ્રાઈવરોની દાદાગીરી પોલીસની ‘દંડગીરી’

ડ્રાઈવરોની દાદાગીરી પોલીસની ‘દંડગીરી’

એક જ મહિનામાં નજીકનું ભાડું નકારનારા ૩૬,૪૯૬ ડ્રાઈવર દંડાયા:
રૂ. ૧૮.૨૪ લાખનો દંડ ફટકાર્યો

યોગેશ સી. પટેલ

મુંબઈ: લાંબા અંતરનું ભાડું મેળવવા માટે નજીકનું ભાડું નકારી પ્રવાસીઓને કથિત ત્રાસ આપનારા રિક્ષા-ટૅક્સી ડ્રાઈવરો પર ટ્રાફિક પોલીસની તવાઈ આવી છે. આવા ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવાનો આદેશ બહાર પાડવામાં આવ્યાના મહિનામાં જ ૩૬,૪૯૬ રિક્ષા-ટૅક્સી ડ્રાઈવરો દંડાયા હતા અને તેમને ૧૮.૨૪ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ટ્રાફિક પોલીસના જૉઈન્ટ કમિશનર દ્વારા ૧૭ ઑક્ટોબરે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં નજીકનું ભાડું નકારનારા રિક્ષા-ટૅક્સી ડ્રાઈવરો સામેની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો હોવાથી આવા ડ્રાઈવરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનું જણાવાયું હતું. ભાડું નકારનારા ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવા સંંબંધિત સૂચના દરેક રેલવે સ્ટેશન અને મહત્ત્વના બસ સ્ટોપ નજીક લગાવવાનો આદેશ પણ અપાયો હતો. એ સિવાય રિક્ષા અને ટૅક્સી યુનિયન સાથે આ મુદ્દે મીટિંગ કરવાની સૂચના પણ ટ્રાફિક વિભાગના દરેક ડિવિઝનના ઈન્ચાર્જને અપાઈ હતી.
રિક્ષા-ટૅક્સી ડ્રાઈવરો પર મોટર વેહિકલ ઍક્ટની કલમ ૧૭૮ (૩) હેઠળ તાત્કાલિક કાર્યવાહીનો આદેશ અપાયાના મહિનામાં ૨૪,૮૬૭ રિક્ષા ડ્રાઈવરોને રૂ. ૧૨,૪૩,૩૫૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે આમાંથી માત્ર ૯૨૯ ઈ-ચલાનનો ૪૬,૪૫૦ રૂપિયાનો દંડ વસૂલાયો હતો. સૌથી વધુ વેસ્ટ ઝોનમાં રિક્ષા ડ્રાઈવરો દંડાયા હોવાનું ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું.
એ જ રીતે સૌથી વધુ ટૅક્સી ડ્રાઈવરો સાઉથ ઝોનમાં દંડાયા હતા. એક મહિનામાં સાઉથ ઝોનના ૭,૭૮૭ સહિત કુલ ૧૧,૬૨૯ ટૅક્સી ડ્રાઈવરોને ૫,૮૧,૪૫૦ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. આમાંથી ૫૬,૩૫૦ રૂપિયાનો દંડ અત્યાર સુધીમાં વસૂલવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ટ્રાફિક વિભાગ સાથે સંકળાયેલા એક ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ભાડું નકારનારા ડ્રાઈવરો સામે ટ્રાફિક પોલીસની હાજરીમાં જ કાર્યવાહી કરવી શક્ય છે. ઑનલાઈન ફરિયાદથી ડ્રાઈવરે ભાડું નકાર્યું હોવાનું સિદ્ધ કરવું લગભગ અશક્ય છે. પરિણામે આવા ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવાનું પ્રમાણ સીમિત બની જાય છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ ભાડું નકારનારા ડ્રાઈવરોને ૫૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. મોટા ભાગે રેલવે સ્ટેશનો બહાર આવા ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવામાં આવે છે. એ સિવાય મહત્ત્વનાં સ્થળોએ પણ ટ્રાફિક પોલીસ તહેનાત હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular