Homeમેટિનીસાવિત્રી - સત્યવાનની ૩૪ ફિલ્મ બની છે

સાવિત્રી – સત્યવાનની ૩૪ ફિલ્મ બની છે

૧૦૦ વર્ષ પહેલાં માદન થિયેટર્સ અને રોમની સિનેઝ કંપનીના સહયોગમાં ભારતીય પૌરાણિક કથાનું ઈટલીમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું

હેન્રી શાસ્ત્રી

પહેલું હિન્દી બોલપટ બનવાની હજી ખાસ્સી વાર હતી ત્યારે ૧૯૨૦ના દાયકામાં ફિલ્મ નિર્માણ ધીરે ધીરે વેગ પકડી રહ્યું હતું. દાયકાના પ્રત્યેક વર્ષે બનતી મૂંગી ફિલ્મોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળતો. જોકે જે ફિલ્મો બનતી એમાં પૌરાણિક ચિત્રોનું લેબલ ધરાવતા માઈથોલોજિકલ, ડિવોશનલ કે રિલિજિયસ ફિલ્મોની ભરમાર જોવા મળતી. ૧૦૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૨૩માં નિર્માણ થયેલી કુલ ફિલ્મોમાંથી ૭૦ ટકા ફિલ્મ માઈથોલોજિકલ (પૌરાણિક) અથવા ડિવોશનલ (ભક્તિરસ) હતી. પૌરાણિક ચિત્રપટમાં ઈશ્ર્વર દર્શન જોવા મળતું જ્યારે ભક્તિરસમાં પ્રભુ ભક્તિ માટે ખ્યાતનામ પાત્રો જોવા મળતાં. અન્ય ૩૦ ટકા ફિલ્મ મુખ્યત્વે સામાજિક કે ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી હતી. નોંધવા જેવી વાત એ છે કે ઈટલી અને ઈન્ડિયાના સહયોગમાં પહેલી ફિલ્મનું નિર્માણ ૧૯૨૩માં કરવામાં આવ્યું હતું. કલકત્તાના મદન થિયેટર્સ અને ઈટલીની સિનેઝ ઓફ રોમ કંપનીએ ‘સાવિત્રી સત્યવાન’ નામની ફિલ્મનું સહનિર્માણ કર્યું હતું. હેરત પમાડનારી વાત એ છે કે આપણી પૌરાણિક કથા ધરાવતી સમગ્ર ફિલ્મનું શૂટિંગ ઈટલીમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મના ડિરેક્ટર ઈટલીના હતા અને સત્યવાન, સાવિત્રી અને યમના પાત્રમાં ઈટલીના કલાકાર નજરે પડ્યા હતા. આપણે ત્યાં ‘મહાભારત’ના વનપર્વમાં જોવા મળતી આ કથા ભક્તિ પ્રદર્શનનું એક ઉત્તમ ઉદાહરણ છે, જ્યારે રોમમાં ફિલ્મનો પ્રચાર કામણગારી હિન્દુ કથા તરીકે કરવામાં આવ્યો હતો. શૃંગારિક દ્રશ્યોને કારણે ફિલ્મને સેન્સર કરવામાં આવી હતી. આમ પણ ભારતીય પૌરાણિક કથાનું શૂટિંગ ઈટલીના આલીશાન મહેલના બેકડ્રોપમાં કરવામાં આવે એ કેવું બેહૂદું લાગે. ખેર.
પૌરાણિક પાત્રો – કથા ભારતીય ફિલ્મમેકરોને વર્ષોથી વહાલા રહ્યા છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણ તેમ જ મહાભારત અને રામાયણને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનતી રહી છે. સાવિત્રી – સત્યવાનની કથા પણ ફિલ્મમેકરોને પ્રિય રહી છે. એક નોંધ પ્રમાણે હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી અને સાઉથની વિવિધ ભાષામાં સાવિત્રી – સત્યવાનની કુલ ૩૪ ફિલ્મ બની છે. અલબત્ત એમાં મૂળ કહાની અદલોઅદલ પેશ કરવા ઉપરાંત એને આધુનિક સંદર્ભમાં રજૂ કરવાની કોશિશ પણ કરવામાં આવી છે. સૌથી પહેલી ફિલ્મ ભારતીય ફિલ્મ જગતના પિતામહ તરીકે ખ્યાતનામ દાદાસાહેબ ફાળકેએ ‘સાવિત્રી’ (૧૯૧૩) ટાઈટલ સાથે બનાવી હતી. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી વાર ફિલ્મ રજૂ કરનાર કલકત્તાના મારવાડી બિઝનેસમેન આર. એલ. ખેમકાની ફિલ્મ કંપની ઈસ્ટ ઈન્ડિયા ફિલ્મ કંપનીએ તેલુગુમાં ’સતી સાવિત્રી’ (૧૯૩૩) નામની ફિલ્મ બનાવી હતી. એ સમયે અધધ કહેવાય એવા ૭૫૦૦૦ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ફાંકડી સફળતા મળી હતી. વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી હતી જ્યાં એને ઓનરરી ડિપ્લોમા એનાયત થયો હતો.
બોમ્બે ટોકીઝના નિર્માણ હેઠળ હિમાંશુ રોય ગ્રામ્ય પાશ્ર્વભૂમિમાં સુધારાવાદી ફિલ્મો બનાવવા માટે વધુ જાણીતા હતા. જોકે ૧૯૩૭માં તેમણે ‘સાવિત્રી’ નામની ફિલ્મ બનાવી હતી. તેમના નામ સામે આ એકમાત્ર પૌરાણિક ફિલ્મ બોલે છે. બુદ્ધના જીવન પરથી ‘ધ લાઈટ ઓફ એશિયા’ (૧૯૨૫) તેમ જ હિમાંશુ રોય સાથે ‘અછૂત ક્ધયા’ અને ‘જીવન નૈયા’ જેવી નોંધપાત્ર ફિલ્મોનું દિગ્દર્શન કરનાર જર્મન ફિલ્મમેકર ફ્રાન્ઝ ઓસ્ટને ‘સાવિત્રી’ ડિરેક્ટ કરી હતી. દેવિકા રાની અને અશોક કુમાર ફિલ્મના મુખ્ય કલાકાર હતાં. ફિલ્મનું સંગીત સરસ્વતી દેવી (ખોરશેદ મિનોચર – હોમજી)નું હતું અને આ ફિલ્મમાં ૧૨ ગીતો હતાં જેમાંથી ત્રણ ગીતમાં અશોક કુમારનું પ્લેબેક હતું.
૧૯૯૦ના દાયકા પછી સત્યવાન – સાવિત્રીની કથાને આધુનિક સંદર્ભમાં રજૂ કરવાના અખતરા જોવા મળ્યા છે. ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ છે મણિરત્નમ દિગ્દર્શિત ‘રોજા’. રોજા (મધુ) નામની ગ્રામ્ય ક્ધયાના લગ્ન ગુપ્તચર વિભાગમાં નોકરી કરતા રિશી (અરવિંદ સ્વામી) સાથે થાય છે. આતંકવાદીઓ રિશીનું અપહરણ કરે છે અને પોતાના પાટને મુક્ત કરાવવા રોજા દેશભરમાં દોડાદોડી કરે છે. પૌરાણિક કથાને આધુનિક સ્પર્શ. રોજાની વણથંભી કોશિશ જ રિશી સાથેના ફરી મેળાપમાં નિમિત્ત બને છે. સાવિત્રીનું મોડર્ન સ્વરૂપ. વિક્રમ ભટ્ટની ‘રાઝ’ (૨૦૦૨) હોરર ફિલ્મ છે પણ એની કથા સત્યવાન – સાવિત્રીની વાતને અલગ સ્વરૂપે પેશ કરે છે. ‘વોરિયર સાવિત્રી’ (૨૦૧૬)માં પણ સાવિત્રી યમરાજા પાસેથી પતિને પાછો લાવે છે એ વાત આધુનિક સ્વરૂપે કહેવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો સત્યવાન – સાવિત્રી કથા સર્વકાલીન છે.
—————
પૌરાણિક કથાનું ગુજરાતી કનેક્શન
ઉપેન્દ્ર ત્રિવેદી – જયશ્રી ગડકરની ‘મહાસતી સાવિત્રી’ (૧૯૭૩) નામની ફિલ્મ આવી હતી પણ એ હિન્દીમાં હતી. જોકે એવું જ નામ ધરાવતી મહા સતી સાવિત્રી નામની ગુજરાતી ફિલ્મ આજથી ૬૦ વર્ષ પહેલાં (૧૫ ફેબ્રુઆરી, ૧૯૬૩) રિલીઝ થઈ હતી. રાવજીભાઈ પટેલ નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન ગિરીશ મનુકાંતે કર્યું હતું અને મનહર દેસાઈ, રણજિત રાજ અને અંજના ફિલ્મના મુખ્ય કલાકાર હતાં. ‘જીવણો જુગારી’ અને ‘રમત રમાડે રામ’ જેવી નોંધપાત્ર ગુજરાતી ફિલ્મો બનાવનાર દિનેશ રાવળે ૧૯૬૩માં ‘સત્યવાન સાવિત્રી’ નામની ફિલ્મ બનાવી હતી. મહેશ દેસાઈ, અરુણા ઈરાની, શશિકલા અને જીવન ફિલ્મના મુખ્ય કલાકાર હતાં. ગુજરાત સરકારનો શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો પુરસ્કાર મેળવનાર દિનેશ ભાઈ ૧૯૬૩થી ૨૦૦૨ સુધી સક્રિય રહ્યા હતા. તેમણે મલ્લિકા સારાભાઈ સાથે બનાવેલી ‘મેના ગુર્જરી’ને બહોળો આવકાર મળ્યો હતો અને ફિલ્મ સુવર્ણ જયંતી મનાવવામાં સફળ રહી હતી. કુશળ સ્ટીલ ફોટોગ્રાફર અને એક અચ્છા અભિનેતા તરીકે ખ્યાતિ મેળવ્યા બાદ કાનજીભાઈ રાઠોડ પંકાયા એક કાબેલ દિગ્દર્શક તરીકે. મુખ્યત્વે મૂંગી ફિલ્મના દોરમાં ડિરેક્શન કરનાર કાનજીભાઈએ ૧૯૨૩માં ધાર્મિક ચિત્રપટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમના ચિત્રપટ ‘ગોસ્વામી તુલસીદાસ’, ‘સતી નર્મદા’, ‘શ્રી બાળકૃષ્ણ’, ‘શુકદેવ’, ‘વીર ભીમસેન’ , ‘વત્રાસુર વધ’ વગેરે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. કાનજીભાઈ દિગ્દર્શિત ‘ભક્ત વિદુર’ ફિલ્મ સ્વાતંત્ર્યસંગ્રામના એ તબક્કામાં ખૂબ ચર્ચિત થઈ હતી. દ્વારકાદાસ સંપટે વિદુરની ભૂમિકા ભજવી હતી જ્યારે માણેકલાલ પટેલે કૃષ્ણની. ગાંધીજીની ચળવળને રજૂ કરતી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular