સલામત અને સુરક્ષિત નોકરી મેળવવા ઉમેદવારોનો ભારે ધાસરો જોવા મળે છે. ગુજરાત યુનિવર્સીટીમાં હાલ ખાલી પડેલી જુનિયર ક્લાર્કની 92 નોકરી માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં ઉમેદવારો વિષે ચોંકાવનારી માહિતી સામે આવી છે.
તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી પ્રસાશને જુનિયર ક્લાર્કની 92 જગ્યા માટે અરજીઓ મંગાવી હતી. આ 92 જગ્યાની સામે યુનિવર્સીટીને 8,000 થી વધુ અરજીઓ મળી છે. એટલે કે એક સીટ માટે આશરે 87 ઉમેદવારો હરોળમાં છે. ચોંકાવનારી બાબત એ છે કે કુલ ઉમેદવારોમાંથી 3,000 એટલેકે 37.5% ઉમેદવારો માસ્ટર ડિગ્રી અથવા એક કરતાં વધુ ડિગ્રી ધરાવે છે.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ ઉમેદવારો માંથી 958 પાસે Mcomની ડિગ્રી છે, 580 પાસે MA, 384 પાસે MSc, 167 પાસે MBA,119 પાસે MCA, 109 પાસે MSW , 41 પાસે ME, 37 પાસે MLib, 20 પાસે MTech, 14 પાસે LLM, 7 પાસે MPharm ડિગ્રી છે. જ્યારે એક ઉમેદવાર મેડિકલ મેનેજમેન્ટમાં ડિગ્રી ધરાવે છે, જ્યારે અન્ય ચાર BDS, BAMS અને નર્સિંગ જેવા વિષયોમાં ડિગ્રી ધરાવે છે.
છઠ્ઠા પગારપંચની જોગવાઈઓ અનુસાર, જુનિયર ક્લાર્કને 30,000 રૂપિયા માસિક પગાર મળે છે, જેમાંથી તેમને લગભગ 25,000 રૂપિયા હાથમાં મળે છે.
છેલ્લી ભરતી સુધી ક્લાર્કના પદ માટે સીધી પસંદગી પ્રક્રિયા હતી. આ વર્ષે ઉમેદવારોની વધુ સંખ્યા જોતા પસંદગી બે તબક્કામાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા કરાશે.
ગયા વર્ષે તલાટીની 3,400 જગ્યાઓ માટે ગુજરાત સરકારને રેકોર્ડ 17 લાખ અરજીઓ મળી હતી. એટલે કે ઉમેદવારની પસંદ થવાની શક્યતા માત્ર 0.2% હતી.
GUમાં જુનિયર ક્લાર્કની ભરતી માટે ૩૦૦૦ માસ્ટર ડિગ્રી ધારક ઉમેદવારોએ અરજી કરી
RELATED ARTICLES