દાવોસમાં મુખ્ય પ્રધાન જાય તે પહેલાં ઉદય સામંતે જર્મનીમાં મોટો કરાર કર્યો
વિપુલ વૈદ્ય
મુંબઈ: રાજ્યની શિંદે-ફડણવીસની સરકાર રાજ્યમાં રોકાણ વધારવા માટે પ્રયાસો કરી રહ્યા છે અને તેને માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ૧૬ અને ૧૭ જાન્યુઆરીએ દાવોસ જવાના છે અને ત્યાં રાજ્યમાં રોકાણ લાવવાનો પ્રયાસ કરશે, પરંતુ તેની પહેલાં જ રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે જર્મનીની મુલાકાતમાં ૩૦૦ કરોડનું રોકાણ આકર્ષીને સનસનાટી ફેલાવી દીધી છે.
ઉદય સામંત અત્યારે જર્મનીની મુલાકાતે છે અને અહીંથી તેઓ દાવોસ જવાના છે. જર્મનીની મુલાકાતના પહેલા જ દિવસે તેમણે રાજધાની સ્ટૂટગાર્ટની ટ્રમ્પ કંપની સાથે રૂ. ૩૦૦ કરોડના રોકાણ લાવવા બાબતે સકારાત્મક ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રમ્પ કંપની આગામી બે વર્ષમાં મહારાષ્ટ્રમાં રૂ. ૩૦૦ કરોડનું રોકાણ કરશે.
ટ્રમ્પ કંપનીના સીઈઓ રિચર્ડ બેનમ્યુલર અને મેનેજિંગ ડિરેક્ટર સંદીપ પાટીલની સાથે ઉદય સામંતે મુલાકાત કરી હતી. ટ્રમ્પ કંપનીના અત્યાધુનિક લેઝર કટિંગ મશીન્સ અને ફોલ્ડિંગ મશીન્સનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. વીજળી પર ચાલનારા વાહનોમાં બેટરી અને બેટરી-સ્ટોરેજ યુનિટ્સ તૈયાર કરવા માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીન માટે ટ્રમ્પ કંપની મહારાષ્ટ્રમાં પ્રોડક્શન યુનિટ સ્થાપવાની છે. આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર સંપૂર્ણ સહકાર કરશે, એમ ઉદય સામંતે જણાવ્યું હતું. આ કંપનીના પ્રતિનિધિઓ આવતા મહિને મહારાષ્ટ્રમાં સ્થળ જોવા માટે આવવાના છે એમ પણ નક્કી થઈ ગયું છે.
આ ઉપરાંત ઉદય સામંતે સ્ટૂટગાર્ટમાં જ આવેલી લેપ કેબલ જૂથની મુલાકાત લીધી હતી. દેશમાં વધી રહેલા ઈલેક્ટ્રિકલ વેહિકલના યુગમાં ઈલેક્ટ્રિકલ વાહનના ચાર્જિંગ કેબલ્સ અને પોર્ટેબલ ઈવી અડેપ્ટરનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ કંપનીના પ્લાન્ટ માટે રાજ્યના ઉચ્ચ ગુણવત્તાના તાંબાની ખાણો માટે જાણીતા ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાની મુલાકાત લેવા માટે કંપનીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને મહારાષ્ટ્રમાં આ પ્લાન્ટ સ્થાપવા પર ચર્ચા કરવામાં આવી છે.