Homeટોપ ન્યૂઝમુંબઈ તૂજે કિસીકી નઝર ન લગેઃ ત્રણ દાયકા બાદ પણ બોમ્બેની ગોઝારી...

મુંબઈ તૂજે કિસીકી નઝર ન લગેઃ ત્રણ દાયકા બાદ પણ બોમ્બેની ગોઝારી યાદો પીછો નથી છોડતી

હા ત્યારે તે મુંબઈ નહીં, બોમ્બે હતું. 1995માં મુંબઈ થયા પહેલા આજથી 30 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 12 માર્ચ, 1993ના રોજ બોમ્બે બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠયું. તે બાદ પણ દેશની આર્થિક રાજધાની અને સૌના સપનાના શહેરે કમનસીબે ઘણા આતંકવાદી હુમલા જોયા, પણ આ દિવસ અને તેના પછીના મહિનાઓ સાથે જોડાયેલી ગોઝારી યાદો તે પોતાની સ્મૃતિઓમાંથી ક્યારેય ભૂંસી નહીં શકે.

બાર માર્ચ બપોરે દોઢ વાગ્યે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના બેઝમેન્ટમાં અચાનક ધડાકો થયો. મુંબઈમાં રહેતા કે ન રહેતા લોકોને કહેવાની જરૂર નથી કે બપોરે દોઢ વાગ્યે અહીં કેટલો ધમધમાટ હોય અને કેટલા માણસોની અવરજવર હોય. તે બાદ લગભગ 3.40 સુધી શહેરના સૌથી વ્યસ્ત સ્થળો પર ધડાકા ચાલતા રહ્યા.


ચો તરફ આગ, લોહી, ભાગદોટ. રોજ ભાગતું આ શહેર સમજી ન શક્યું કે કઈ દિશામાં જવું ને શું કરવું. હોસ્પિટલો તરફ ઈજાગ્રસ્તોની દોટ તો સુરક્ષિત બચેલાઓની દોટ ઘર તરફ. આ બ્લાસ્ટમાં 257 નિર્દોષે જીવ ગુમાવ્યો અને 1400થી વધારે ઘાયલ થયા. પણ એના કરતા પણ વધારે આ બ્લાસ્ટે મુંબઈ શહેરને થોડા સમય માટે ડરાવ્યું ને હંમેશાં માટે સતર્ક કરી દીધું.
કહેવાની જરૂર નથી કે ડી કંપનીનો ડોન દાઉદ ઈબ્રાહિમ આનો માસ્ટરમાઈન્ડ હતો. જોકે ઈબ્રાહીમ અને તેનો સાથી ટાઈગર મેમણ ભાગી જવામા સફળ રહ્યા.


યાકુબ, ટાયગરનો ભાઈ 1994માં જેલ ભેગો થયો. ષડયંત્ર રચવામાં, હુમલાખોરોને તાલીમ આપવા અને ફંડ એકઠું કરવા, સ્ફોટક સામગ્રી ભરવા માટે ગાડીઓ ખરીદવા બદલ તેને દોષી જાહેર કરવામા આવ્યો અને 2007 જુલાઈમાં તેને ફાંસીની સજા જાહેર કરવામાં આવી. 2013માં આ કેસમાં સુપ્રીમ કોર્ટે આખરી નિર્ણય આપ્યો અને ફાંસીની સજા બરકરાર રાખી. નાગપુર ખાતેની જેલમાં 30મી જુલાઈ, 2015ના રોજ સવારે 6.35 વાગ્યે તેને ફાંસી આપવામાં આવી.
જોકે આ બધુ કરવા છતાં ટાયગર મેમણ ભારતના હાથ ન લાગ્યો. આ કેસની તપાસે જ પાકિસ્તાની આઈએસઆઈના ઘણા રહસ્યો ખોલ્યા અને ડી-કપંની સાથેના તેમના જોડાણોનો પર્દાફાશ થયો.
સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને મુંબઈ પોલીસ દ્વારા કુલ 193 દોષીને ડિટેઈન કરવામાં આવ્યા. જેમાંથી 140 પર કેસ ચાલ્યો. જોકે ટ્રાયલ દરમિયાન જ 17 જણના મોત થયા. 123માંથી સો જણાને દોષી જાહેર કરવામા આવ્યા અને 23ને છોડી દેવામાં આવ્યા.


હુમલા બાદ અમુક દોષીઓને ભારત પાછા લાવવામાં સફળતા મળી. જેમાંનો એક અબુ સાલેમ. જેને પોર્ટુગલથી લાવાયો. 2017માં અન્ય પાંચ સાથે સાલેમને પણ ટેરરિસ્ટ એન્ડ ડિસ્ટ્રપ્ટીવ એક્ટિવિટીસ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ દોષી કરાર દેવામાં આવ્યો. હજુ તે અલગ અલગ કેસમા સજા ભોગવી રહ્યો છે.
જોકે મુંબઈગરાઓ સહિત ભારતીયોનું હૈયુ ત્યારે જ ઠરશે જ્યારે દાઉદ હાથમાં આવશે.
આ ઘટના બાદ ડી-કંપની, આરડીએક્સ જેવા શબ્દો લોકોજીભે ચડ્યા. ફિલ્મજગતે આ વિષયો પર કેટલીય ફિલ્મો બનાવી. ફિલ્મી હસતિઓના નામ ડી-કંપની સાથે જોડાયા.
ત્રણ દાયકા વીતી ગયા. પણ જેમણે પોતાના ખોયા, શરીરના અંગો ખોયા, આજીવિકા ખોઈ તે તમામ તો ન જ ભૂલ્યા, પણ દેશ આખો પણ આ ઘટનાને યાદ કરી હચમચી જાય છે. બોમ્બે તે સમયે તો ભારતભરના લોકોના આકષર્ણનું કેન્દ્ર, અભિનેતા બનવું હોય કે રસ્તા પર ભેલપુરીની લારી નાખવી હોય, શેર માર્કેટનો રાજા બનવું હોય કે પછી કોઈ શ્રીમંત બાપના નબીરાને મોજશોખ માટે રહેવું હોય બોમ્બે સૌનું પ્રિય. ખરીદી કરવાથી માંડી અહીંના દરિયા કિનારે ફરવાવાળાઓના સપનાનું શહેર. અહીં નાનકડી ઓરડી અને સાંકડી ગલીઓમાં રહી દિવસરાત મહેનત કરનારાઓનું શહેર, ખાલી ખિસ્સા લઈને આવેલા અને માલેતુજાર થયેલાઓનું શહેર, રાજકારણીઓથી માંડી આઈએએસ અને પોલીસ અધિકારીઓ જ્યાં કામ કરવા માંગે તેવું શહેર આજના દિવસે આતંકી હુમલાના સકંજામાં એવું તો આવ્યું કે છૂટવું મુશ્કેલ થઈ ગયું. 1993 બાદ, 2006 અને 2008માં પણ ફરી આંતકવાદીઓએ હુમલા કર્યા પણ ફરી શહેર ઊભું થયું. આ શહેરની સ્પિરીટને એટલે જ સલામ કરવામાં આવે છે કારણ કે અહીંની જમીનમાં ઝટકા ખાઈને ઊભા થવાનું ખમીર છે, પણ આ ઝટકા કુદરતી હોય ત્યારે સમજી શકાય, આતંકવાદના કે કોઈની મેલી મુરાદના તો ન જ હોવા જોઈએ. આજે યાદ કરીએ આ હુમલામાં જીવ ગુમાવનારાઓને. આભાર માનીએ મુંબઈ પોલીસ સહિતની તમામ એજન્સીઓનો અને પ્રાર્થના કરીએ કે મુંબઈ તૂજે કિસીકી નઝર ના લગે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular