ગુજરાતભરમાં આજે ઉતરાયણ પર્વની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિસનગરના ઠાકોર પરિવાર માટે ઉતરાયણનો તહેવાર માતમમાં ફેરવાયો છે. ચાઇનીઝ દોરીથી ગળું ચીરાતા 3 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.
ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ હોવા છાતા લોકો સુધી ચાઇનીઝ દોરીની ફીરકીઓ પહોંચી રહી છે જેને કારણે નિર્દોષ નાગરીકોના જીવ જઈ રહ્યા છે. આજે વિસનગરમાં ચાઇનીઝ દોરીએ 3 વર્ષની માસૂમ બાળકીનો જીવ લીધો હતો. વિસનગરના કડા દરવાજા વિસ્તારના ઠાકોર વાસમાં રહેતા પરિવારની માતા 3 વર્ષની બાળકી લઇને સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે. ત્યાં અચાનક કપાયેલી પતંગની ચાઇનીઝ દોરી બાળકીના ગળાના ભાગે વીંટળાઈ જતા ઊંડો ઘસરકો પડ્યો હતો જેને કારણે મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતું. બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
નોંધનીય છે કે રાજ્યમાં ચાઇનીઝ દોરીને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. દર વર્ષે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બનતી હોવા છતાં રાજ્ય સરકાર ચાઇનીઝ દોરીના દુષણને ડામવા નિષ્ફળ રહી છે. ચાઇનીઝ દોરી અંગે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવીને સરકારને પગલા લેવા કહ્યું ત્યારે છેક સરકારે કાર્યવાહી શરુ કરી હતી. પરંતુ ત્યાં સુધી મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીઓ વેચાઈ ચુકી હતી.