નકલી સોનાના સિક્કા પધરાવી ૩.૧૨ કરોડની છેતરપિંડી: મારવાડી ગૅન્ગ વડોદરાથી પકડાઈ

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાયંદર: બાંધકામ વ્યાવસાયિકને નકલી સોનાના સિક્કા પધરાવી ૩.૧૨ કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના વડોદરા ખાતેથી મારવાડી ગૅન્ગને પકડી પાડી હતી.

વસઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ કિસનભાઈ કસ્તુરભાઈ સલાટ, હરિભાઈ પ્રેમાભાઈ સલાટ અને મનીષ કમલેશભાઈ શાહ તરીકે થઈ હતી. તેમની પાસેથી ૨.૧૮ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ડોમ્બિવલીમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય ધરાવતા હેમંત મુલચંદ વાવિયા (પટેલ)એ આ પ્રકરણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે વાવિયાને કેટલાક સોનાના સિક્કા બતાવવામાં આવ્યા હતા. આવા સિક્કા ઓછી કિંમતે આપવાની લાલચ આરોપીએ આપી હતી.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર વિરાર નજીક એપેક્સ હોટેલ પાસે ૧૮ જુલાઈએ ફરિયાદીને બોલાવવામાં આવ્યા હતા. ત્યાં અજાણી વ્યક્તિ ફરિયાદીને મળી હતી. સોનાના સિક્કા ભરેલી થેલી ફરિયાદીને આપી તેમની પાસેથી ૩.૧૨ કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા. જોકે બાદમાં ચકાસણી કરતાં એ નકલી સોનું હોવાનું જણાયું હતું. પોતે છેતરાયા હોવાની જાણ થતાં વાવિયાએ વિરાર પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી વડોદરામાં હોવાની માહિતી મળી હતી. પોલીસની ટીમે વડોદરાથી પકડી પાડેલા આરોપીઓને કોર્ટે ૨૬ જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.