કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ મધ્યમ કક્ષાના ૯૩ ડેમ છલકાયા

આપણું ગુજરાત

૪૦ ડેમમાં પાણીનો જથ્થો ૮૦ ટકા પર પહોંચ્યો

( અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સરહદી કચ્છમાં અષાઢી બીજના દિવસથી શરૂ થયેલા અનરાધાર વરસાદથી મધ્યમ કક્ષાના વીસ ડેમમાંથી ૧૩ ડેમ છલકાઈ ગયા છે, જ્યારે નાની સિંચાઇના કુલ ૧૭૦ માંથી ૮૯ ડેમ છલકાઇ જતાં સર્વત્ર આનંદની લાગણી ફેલાઈ છે.
ગત મંગળવારે પડેલા અતિ ભારે વરસાદને પગલે મધ્યમ કદના વધુ ચાર ડેમ ઓવરફલો થયા છે જેમાં નખત્રાણા તાલુકાના મથલ,નિરોણા અને ભુખી ડેમ તથા ભુજ તાલુકાનો કયલા ડેમ છલકાઇ ગયો છે. જીવંત ખેતી માટે જીવાદોરી સમાન મથલ ડેમ ઓવરફ્લો થતાં આ વિસ્તારના ગામો ઝીંઝાય,ધામાય, દેશલપર સહિતના ગામોના નિચાણવાળા વિસ્તારોને વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે જવા સૂચિત કરાયા છે.
બંદરીય શહેર માંડવી નજીકના રાજાશાહી વખતનો વિજયસાગર ડેમ મંગળવારે ઓગની જતાં ખેડૂતોનાં હૈયા હરખથી છલકાયાં છે. ડેમમાં ૮૦ કરોડ ઘન ફૂટ પાણીનો સંગ્રહ થતાં આસપાસ આવેલા કૂવા, બોરના પાણીની પણ જળ સપાટી ઊંચી આવી ગઇ છે.
વિજયસાગર ડેમ અઢી ફૂટની સપાટીથી ઉપર ઓગની ગયા બાદ તેના પાણી નજીકના જતનગરમાં આવ્યા હતા, જેના પગલે એનડીઆરએફની ટીમે ૫૦ જેટલા લોકોનો બચાવ કરી એક શાળામાં આશરો આપી ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી.
આ ઉપરાંત ભુજ તાલુકાના અને સૌથી મોટો રુદ્રમાતા ડેમમાં ભારે વરસાદ છતાં માત્ર ૭ ટકા જેટલું જ નવું પાણી આવ્યું છે જયારે કાસવતીમાં માત્ર એક ટકા પાણી છે. નાની સિંચાઇના કુલ ૧૭૦ ડેમમાંથી ૮૯ ઓવરફ્લો થતાં રણપ્રદેશ કચ્છના પચાસ ટકાથી વધુ ડેમ ઓવરફ્લો થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અબડાસા તાલુકાના તમામ ૨૪ જેટલા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જ્યારે અંજારના કુલ ૧૨માંથી બે ભુવડ અને સુરખાન જ છલકાયા છે. નાની સિંચાઈ યોજનાના ૮૧ ડેમ છલકાઇ જાય તો કચ્છના નાના કદના બધા જ ડેમ ભરાઈ જાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.