(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ઝવેરી બજાર વિસ્તારમાં ધોળેદહાડે અક્ષય કુમાર અભિનીત સ્પેશિયલ ૨૬ સ્ટાઇલમાં લૂંટ ચલાવવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારીના સ્વાંગમાં વી.બી.એલ. બુલિયનમાં ઘૂસેલા આરોપીઓએ ૨૫ લાખની રોકડ અને ત્રણ કિલો સોનું લૂંટ્યું હતું.
આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ એલ.ટી. માર્ગ પોલીસે ૨૪ કલાકમાં જ મહિલા સહિત ત્રણ જણને ઝડપી પાડ્યા હતા, જ્યારે ત્રણ જણ ફરાર હોઇ તેમની શોધ ચલાવવામાં આવી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
એલ.ટી. માર્ગ પોલીસે ઝડપી પાડેલા આરોપીઓની ઓળખ મોહંમદ ફઝલ સિદ્દીક ગિલિટવાલા (૫૦), મોહંમદ રજી અહમદ મોહંમદ રફીક (૩૭) અને વિશાખા વિશ્ર્વાસ મુધોળે તરીકે થઇ હોઇ તેમની પાસેથી રૂ. ૧૫ લાખ તથા અઢી કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપી મોહંમદ ફઝલ ડોંગરી અને મોહંમદ રજી અહમદ માલવણી વિસ્તારમાં, જ્યારે વિશાખા મુધોળે રત્નાગિરિની રહેવાસી છે, એમ પોલીસે કહ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે બપોરે આ ઘટના બની હતી. બે આરોપી બપોરે ઓફિસમાં આવ્યા હતા, જેમાંથી એક જણે ત્યાંના કર્મચારી દશરથ માળીને લાફો માર્યો હતો. આથી વેપારીએ તમે કોણ છો એવું પૂછતાં અમે ઇડી ઓફિસમાંથી આવ્યા હોવાનું જણાવીને આરોપીએ વિરાટભાઇ વિશે પૂછ્યું હતું.
બાદમાં તેમણે તમામ કર્મચારીઓના મોબાઇલ પોતાના કબજામાં લઇ લીધા હતા. દરમિયાન તમારી ઓફિસમાં ઇડીની રેઇડ પડી છે, એવું જણાવીને આરોપીઓએ રોકડ, સોનું તથા કીમતી વસ્તુ એકઠી કરવા માટે કર્મચારીઓને ધમકાવવા લાગ્યા હતા. તેમણે કબાટની ચાવી લઇ તેમાંથી રૂ. ૨૫ લાખ લઇ લીધા હતા. આરોપીઓએ બાદમાં કર્મચારીઓના ખિસ્સાં તપાસીને ત્રણ કિલો સોનું કાઢી લીધું હતું.
દરમિયાન તમે કોણ છો અને દસ્તાવેજો દેખાડો એવું વેપારીએ પૂછતાં આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દશરથ માળીને હાથકડી પહેરાવી દીધી હતી. ત્યાંથી સોનું, રોકડ તથા મોબાઇલ લઇને વેપારી તથા કર્મચારીઓને લઇ તેઓ ધનજી સ્ટ્રીટ ખાતેની જૂની ઓફિસમાં આવ્યા હતા. ત્યાં અગાઉથી મહિલા સહિત બે જણે ઓફિસના મેનેજરને કબજામાં લીધો હતો.
મહિલાએ ત્યાં વિરાટભાઇ વિશે પૂછ્યું હતું. મહિલાએ કાગળ પર નામ-સરનામું સહિતની વિગતો લખી લીધા બાદ તમામ લોકોને જતા રહેવાનું કહ્યું હતું. તેઓ ત્યાંથી ગયા બાદ આરોપીઓ રફુચક્કર થઇ ગયા હતા.
વેપારીએ બાદમાં પોતાના કાકાને બોલાવી લીધા હતા અને એ વિસ્તારમાં ઇડી અધિકારીની શોધ ચલાવી હતી, પણ તેઓ મળી આવ્યા નહોતા. વેપારીએ આજુબાજુના અન્ય વેપારીઓ સાથે ચર્ચા કર્યા બાદ પોલીસને ઘટનાની જાણ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ આ પ્રકરણે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધ આદરી હતી અને ગુનામાં સંડોવાયેલી મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા.
ઝવેરી બજારમાં ઇડી અધિકારીના સ્વાંગમાં ત્રણ કિલો સોનું, ૨૫ લાખની લૂંટ: મહિલા સહિત ત્રણ ઝડપાયા
RELATED ARTICLES