બંગાળમાં ₹ 49 લાખની રોકડ જપ્ત કર્યા બાદ ઝારખંડના કોંગ્રેસના 3 ધારાસભ્યો સસ્પેન્ડ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

શનિવારે પ. બંગાળમાં ₹ 49 લાખની રોકડ સાથે પકડાયેલા ઝારખંડના ત્રણ ધારાસભ્યોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે.
બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડના કેસની તપાસ દરમિયાન બંગાળના મંત્રી પાર્થ ચેટરજીની અંગત મિત્ર અને સહાયક અર્પિતા મુખરજીના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવ્યાના થોડા દિવસ બાદ કૉંગ્રેસના ધારાસભ્યો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કૌભાંડમાં પાર્થ મુખરજીની પણ ધરપકડ કરવામાં આવી છે.
કોંગ્રેસના જે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં જામતરાના ધારાસભ્ય ઈરફાન અંસારી, ખિજરીના ધારાસભ્ય રાજેશ કછાપ અને કોલેબીરાના ધારાસભ્ય નમન બિક્સલ કોંગારીનો સમાવેશ થાય છે. ઝારખંડ કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની મોટી જાહેરાત કરીને કહ્યું હતું કે પાર્ટી કડક કાર્યવાહી કરીને એક ઉદાહરણ પૂરું પાડવા માગે છે.
બ્રીફિંગ દરમિયાન કોંગ્રેસના પવન ખેરાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને પ્રતિસ્પર્ધી પક્ષ પર સરકારને તોડવા માટે ધારાસભ્યોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. “અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા અને હવે ઝારખંડ. ભાજપ દર મહિને તેની નિમ્ન સ્તરની રાજનીતિનું ઉદાહરણ બેસાડે છે.” એમ પવન ખેરાએ જણાવ્યું હતું.
“સરકારનું એક કાર્ય હોય છે જેના કારણે તેને સત્તામાં લાવવામાં આવે છે. જ્યાંથી તેઓ ચૂંટણી હાર્યા છે તે કાર્યસ્થળ પર સત્તામાં કેવી રીતે આવવું તે વિશે વિચારવાનું સરકારનું કામ નથી. મોદીજી અને અમિત શાહજી કદાચ આ વસ્તુ સમજી શકતા નથી,” એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય છે કે કૉંગ્રેસના આ ત્રણ ધારાસભ્ય એક વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમને કોલકાતાથી પશ્ચિમમાં લગભગ 30 કિમી દૂર અટકાવવામાં આવ્યા હતા. કારની ઝડતી લેવામાં આવતા તેમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી.
હાલમાં આ ત્રણે ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન ત્રણે સહકાર નથી આપી રહ્યા, એમ પોલીસે જણાવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.