ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામેની ત્રણ મેચની વનડે સિરીઝના પહેલી મેચ હાર્યા બાદ આજે વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવી હતી. બીજી ઓડીઆઈમાં ભારતીય ટીમ 117 પર ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયન પ્લેયર માઈકલ સ્ટાર્કે પાંચ વિકેટ લીધી હતી અને ત્યાર બાદ ટ્રેવિસ હેડ અને માઈકલ માર્શની જોડીએ 118 રનના ટીમ ઈન્ડિયાના ટાર્ગેટને 11 ઓવરમાં જ હાંસિલ કરી લીધો હતો.
ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનિંગ બેટ્સમેન્સે પહેલી જ ઓવરથી આક્રમક વલણ અખત્યાર કર્યું હતું અને ત્યાર બાદ તેમને રોકવાનું ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ બની ગયું હતું. 30 બોલમાં ટ્રેવિસે 51 રન કર્યા હતા તો માઈકલે 36 બોલમાં 66 રન ફટકારી દીધા હતા. બંનેની પાર્ટનરશિપે 9 ઓવરમાં જ સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો.
ટોસ જિતીને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ ઈન્ડિયાની બેટિંગમાં પહેલી જ ઓવરમાં શુભમન ગિલ ખાતુ ખોલ્યા વગર પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
આ મેચમાં ભારતીય ખેલાડીઓના પર્ફોર્મન્સની વાત કરીએ તો તે ખૂબ જ ખરાબ રહ્યું હતું, જેમાં ટીમ ઈન્ડિયાના ચાર પ્લેયર ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પાછા ફર્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 31 રન બનાવીને ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા.
કાંગારુઓ તરફથી સ્ટાર્કે 8 ઓવરમાં 53 રન આપીને અડધી ટીમ ઈન્ડિયાને પેવેલિયન ભેગી કરી નાખી હતી. આ સિવાય સીન એવોટે 3 અને નાથન એલિસે બે વિકેટ લીધી હતી. હવે બંને ટીમ વચ્ચે છેલ્લી અને નિર્ણાયક મેચ 22મી માર્ચના ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.