યુવાનો શિક્ષિત, દીક્ષિત અને વિકસિત થાય તો રાષ્ટ્રનું સાચું નિર્માણ થાય..

ઇન્ટરવલ
નવી સવાર-રમેશ તન્ના

ગયા હપ્તામાં આપણે મુંબઈના એક યુવાનની વાત કરી હતી જે સત્ય શોધવા હિમાલય ગયો હતો. ગંગોત્રી-ગોમુખથી આગળ તેને સ્વામી હંસાનંદતીર્થ નામના સંત મળ્યા. તેમણે એ યુવાન, ગગજીભાઈ સુતરિયાને સમાજની વચ્ચે જઈને કામ કરવાનો આદેશ આપ્યો. એકવીસ દિવસની હિમાલય યાત્રા દરમિયાન જે મૂંઝવણો લઈને સત્યની ખોજ કરવા યુવાન ગયો હતો, તેને માત્ર દોઢ કલાકમાં જવાબ મળી ગયો. માત્ર જવાબ જ નહીં, જીવનનું ધ્યેય પણ મળી ગયું. એ યુવાનને વળાવતી વખતે સ્વામી હંસાનંદતીર્થજી મહારાજે તેને સ્લીપર આપ્યાં, પહાડી રસ્તા પર ચાલવા એક લાકડી આપી. ભાડા માટે દોઢસો રૂપિયા આપ્યા.
પાંચ-છ દિવસની યાત્રા પછી એ યુવાન સમાજમાં પાછો આવ્યો. એમના દીકરા ગોપાલને પર્યાવરણ માટે કામ કરવું હતું. ખાસ તો ગાયોની સેવા કરવી હતી. છેવટે સુતરિયા પરિવારે મુંબઈ છોડીને ગુજરાતમાં અમદાવાદ સ્થાયી થવાનો નિર્ધાર કર્યો.
ગગજીભાઈના મનમાં એક જ વાત ચાલતી હતી: રાષ્ટ્રનું નિર્માણ કરવું છે. હિમાલયમાં જે જે લોકો ગયા છે તે મજબૂત સંદેશો લઈને આવ્યા છે અને પછી તેમણે સમાજમાં ઉત્તમ કામ પણ કર્યું છે. ગગજીભાઈ નીચેથી ઉપર તરફ જવા માગતા હતા. કોઈ પણ રચનાત્મક અને મોટું કામ કરવું હોય તો શરૂઆત તો નીચેથી જ કરવી પડે. તેમને થયું કે હું પ્રારંભ નીચેથી કરું, મારા સમાજથી કરું. તેમનો સમાજ એટલે પાટીદાર સમાજ. પાટીદાર સમાજના બે ફાંટા. એક લેઉઆ, એક કડવા. ગગજીભાઈએ બંનેને ભેગા કરવાનું નક્કી કર્યું. સંગઠનમાં મોટી શક્તિ હોય છે, સંગઠિત સત્ય કાયમ જીતે છે.
મનુભાઈ પંચોળી ‘દર્શક’ અમેરિકા ગયા ત્યાં એક ઈતિહાસકારને તેમણે સવાલ પૂછેલો: અમારા ભારતનો મુદ્રાલેખ છે: સત્યમેવ જયતે. શું સત્ય કાયમ જીતે છે? વિશ્ર્વનો ઈતિહાસ આ અંગે શું કહે છે? એ ઈતિહાસકારે જવાબ આપ્યો હતો: સંગઠિત સત્ય હંમેશાં જીતે છે. સત્યને પણ સંગઠિત થવું છે. ગગજીભાઈ સંગઠનની, શિક્ષણની, યુવાનોની શક્તિ જાણતા હતા. તેમનો છેલ્લો મુકામ તો હતો અને છે: રાષ્ટ્ર નિર્માણ, માનવ નિર્માણ. ગમે તેટલી લાંબી સફરનો પ્રારંભ પહેલા ડગલાથી જ થતો હોય છે. તેમણે નક્કી કર્યું કે હું મારા સમાજથી પ્રારંભ કરું. એ પછી ધીમે ધીમે, નક્કી કરેલી સમયરેખા પ્રમાણે આગળ વધીશું. એમાંથી જન્મ થયો સરદારધામનો. સરદારધામ સમસ્ત પાટીદાર એકતાધામ છે. અહીં સમગ્ર વિશ્ર્વના લેઉઆ અને કડવા પાટીદારો એક થઈને અનેક રચનાત્મક કાર્યો કરી રહ્યા છે. આ વ્રતધારી સંસ્થાનું વ્રત છે, સમાજ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ.
શિક્ષણમાં મોટી શક્તિ છે. કોઈ પણ રાષ્ટ્રના નિર્માણના પાયામાં હોય છે શિક્ષણ અને વ્યાપક અર્થમાં જોઈએ તો શિક્ષિત યુવાનો સરદારધામના નેજા હેઠળ અમદાવાદમાં કુલ ત્રણ સ્થળોએ, આ ઉપરાંત વડોદરા, ભાવનગર, સુરત, ભૂજ, દિલ્હી અને મુંબઈ, એમ વિવિધ સ્થળોએ યુવાનો માટે અદ્યતન છાત્રાલયોનું નિર્માણ થશે. યુવક અને યુવતીઓને અહીં કિફાયતી દરે રહીને ગુણવત્તાવાળી અને શ્રેષ્ઠ સુવિધા સાથે ઉચ્ચ શિક્ષણ મેળવશે.
જો યુવાનોને યોગ્ય વાતાવરણ અને ઉચિત તથા શ્રેષ્ઠ માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ રાષ્ટ્રની કાયાપલટ જ નહીં તેનો કાયાકલ્પ પણ કરી શકે છે. યુવાનો શિક્ષિત અને દીક્ષિત થાય. સંવેદના વિનાનું, સંસ્કાર અને મૂલ્યો વિનાનું શિક્ષણ તો શોષિત સમાજ ઊભો કરે. જો સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો સંસ્કારલક્ષી કેળવણી અપાવી જોઈએ. ગગજીભાઈ સુતરિયા એ ભાવને કેન્દ્રમાં રાખીને આગળ વધી રહ્યા છે. શિક્ષણ ઉપરાંત દીકરીઓની કેળવણી, સ્ત્રશક્તિનું જાગૃતીકરણ, ગ્લોબલ વેપારની એક મજબૂત ધરી અને કડી, ઉદ્યોગ સાહસિકોને તક અને માર્ગદર્શન આવા બહુઆયામી પ્રયોજનો સાથે સરદારધામ ધબકી રહ્યું છે.
આ તો પાયો છે, પ્રારંભ છે. ગગજીભાઈએ એક સપનું જોયું છે અને તેઓ તેને સાકાર કરવા ઝંખે છે. તમામ સમાજનાં યુવક અને યુવતીઓને ભણવાની, ઘડાવાની, શીખવાની તક મળે. લોકશાહી રાષ્ટ્ર માટે જરૂરી રાજ્યતંત્ર, વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને મીડિયાતંત્ર માટે શ્રેષ્ઠ યુવાનો રાષ્ટ્રીયધામમાં તૈયાર થાય. આવા યુવાનો રાષ્ટ્રનું નિર્માણ કરે. ગગજીભાઈ કહે છે કે ભારતના તેજસ્વી યુવાનો ભારતને આગળ લઈ જશે. આખા વિશ્ર્વમાં સૌથી વધુ યુવાનો ભારતમાં છે. ભારતની આ પ્રચંડ શક્તિ છે. તેઓ કહે છે કે યુવાનોએ સફળતાનાં દ્વારા ખોલવાં હશે, આંખોમાં રહેલાં સપનાંને સાકાર કરવાં હશે તો જાતને પવિત્ર કરવી પડશે. જો રાષ્ટ્રનું સ્વાભિમાન દુનિયાને બતાવવું હશે તો જાતને આત્મવિશ્ર્વાસથી ભરવી પડશે. ગગજીભાઈ કહે છે કે સબળ, સશક્ત, શરીરે ખડતલ અને આત્મવિશ્ર્વાસથી છલોછલ વ્યક્તિત્વ યુવાનીની પરિભાષા છે. ઊંચાં સપનાં જોવાં દરેક યુવાનનો જન્મસિદ્ધ અધિકાર છે અને એને સાચા રસ્તે સાકાર કરવાં તે એની ફરજ છે.
——————–
છાંયડો
આપણને ગતિ આપનારું બળ વિચારો છે. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો. તેના વિશે રોજ રોજ શ્રવણ કરો, નિષ્ફળતાઓની કદી પરવા ન કરો. વિચાર પર જ જીવો, સફળ થવાનો આ જ એક માર્ગ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.