વર્ષ ૨૦૨૨માં ૧૧ ટકાનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં ધીમો સુધારો આવ્યો હોવાના નિર્દેશ સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૫ પૈસાના સુધારા સાથે ૮૨.૬૧ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ ડૉલર સામે રૂપિયો ૭૪.૨૯ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ વર્ષ ૨૦૨૨માં ડૉલર સામે રૂપિયામાં ૮૩૨ પૈસા અથવા તો ૧૧.૩૬ ટકાનું ધોવાણ થયું છે. આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૭ના બંધ સામે સુધારાના ટોને ૮૨.૮૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૮૦ અને ઉપરમાં ૮૨.૬૯ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૨૬ પૈસાના સુધારા સાથે ૮૨.૬૧ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ ક્રૂડતેલમાં ભાવવધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણકારોની વેચવાલીનું દબાણ રહ્યું હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બીએનપી પારિબાસના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં ડૉલર અને ક્રૂડતેલમાં મજબૂતાઈ ઉપરાંત જો કોવિડ-૧૯ના કેસની સંખ્યામાં વધારો થાય તો રૂપિયો વધુ દબાણ હેઠળ આવે તેવી શક્યતા નકારી ન શકાય.
આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૫૩ ટકા ઘટીને બેરલદીઠ ૮૩.૦૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. તેમ છતાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૦૨ ટકા વધીને ૧૦૩.૮૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૫૭૨.૭૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હતો.