મુંબઈમાં ૨૦૦૮ની ૨૬મી નવેમ્બર (૨૬/૧૧)ના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ સાજિદ મીરની કથિત રીતે પાકિસ્તાનમાં ધરપકડ કરાઈ છે. રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાની સંસ્થાએ અગાઉ કહ્યું હતં કે સાજિદ મીર ઉર્ફે સાજિદ માજિદ થોડા સમય પહેલા મૃત્યુ પામ્યો હતો. એફબીઆઈએ સાજિદ મીરને ‘મોસ્ટ વોન્ટેડ’ આતંકી જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સાજિદ મીર પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા માટે કામ કરતો હતો. સાજિદ મીર સાથે મળીને તોયબાએ આઈએસઆઈની મદદથી મુંબઈમાં હુમલા કર્યા હતા. આતંકીઓ મુંબઈમાં હતા ત્યારે સાજિદ મીર પાકિસ્તાનમાં તેમનો કંટ્રોલર હતો અને બધી માહિતી આપતો હતો. પશ્ચિમી દેશોએ લશ્કર-એ-તોયબાના આતંકવાદીના મૃત્યુના પુરાવા આપવા માટે ઈસ્લામાબાદ પર નોંધપાત્ર રીતે દબાણ કર્યા પછી જ પાકિસ્તાને મીર વિશે માહિતી આપી છે .
મુંબઈ હુમલામાં માર્યા ગયેલા ૧૬૬ લોકોમાંથી છ અમેરિકન હતા. એફબીઆઈએ મીરની ધરપકડ અને ગુનાઓની માહિતી આપનારને ૫૦ લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. પાકિસ્તાન સરકાર હંમેશાથી સાજિદ મીર અંગે જુઠ્ઠાણું ચલાવી રહી છે. પાકિસ્તાને હંમેશા સાજિદ મીરની હયાતીનો ઈનકાર કર્યો હતો. પાકિસ્તાન હવે આર્થિક નાદારીના આરે આવી ગયું છે અને એફએટીએફ વોચલિસ્ટમાંથી પોતાને દૂર કરવા માટે પ્રયાસો કરી રહ્યું છે. તે આતંકવાદને પોષતું હોવાનું કંલક દૂર કરવા માગે છે. દેશ ચલાવવા માટે તેને આર્થિક ભંડોળની જરૂર છે. આતંકને પોષતું હોવાથી એફએટીએફ તેનું નામ ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢતું નથી.
પાકિસ્તાની સત્તાવાળાઓ લાંબા સમયથી દાવો કરે છે કે મીર મરી ગયો છે. એફએટીએફએ પાકિસ્તાની સત્તાવાળાઓને મીરનું મૃત્યુ થયાની જાણ કરતા પહેલા હાથ ધરેલી તપાસ અને તેના મૃત્યુની પુષ્ટિ કરવા માટેના પુરાવાની માહિતી આપવા જણાવ્યું હતું. પરંતુ ઈસ્લામાબાદ કોઈ અર્થપૂર્ણ માહિતી આપી શક્યું નહોતું. જેને કારણે ઘણા પશ્ચિમી દેશોએ પાકિસ્તાનના દાવા પર શંકા વ્યક્ત કરી હતી.
પાકિસ્તાન એફએટીએફ પાસેથી રાહતની આશા રાખી રહ્યું છે, પરંતુ હવે સાજિદ મીર જીવતો હોવાની વાત બહાર આવતા એફએટીએફ શું એક્શન લેશે એ જોવું રહ્યું.

Google search engine