આજના ડિજીટલ યુગમાં ઓનલાઈન નાણાકીય વ્યવહારનું ચલણ વધી રહ્યું છે એ સાથે સાઈબર ક્રાઈમના કેસ પણ વધી રહ્યા છે. ખાસ કરીને સાઈબર ગઠિયાઓ મહિલાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. સંસદ ચાલી રહેલા સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના સાયબર ક્રાઇમમાં મોટો વધારો નોંધાયો છે.
સંસદમાં સરકારે આપેલા ડેટા મુજબ રાજ્યમાં 2019માં મહિલાઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમના 226 કેસ નોંધાયા હતા, જ્યારે 2020માં આ સંખ્યા વધીને 277 અને 2021માં 349 થઈ ગઈ હતી. 2020ની સરખામણીમાં, ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધના સાયબર ક્રાઈમમાં 25%નો વધારો નોંધાયો હતો.
જોકે બીજી તરફ ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ માટે વર્ષ 2019, 2020 અને 2021માં અનુક્રમે 269, 245 અને 322 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ ત્રણ વર્ષમાં માત્ર એક કેસમાં દોષ પુરવાર થઇ શક્યો છે.
વર્ષ 2019 થી દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ નોંધાયેલા સાયબર અપરાધોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. સરકાર દ્વારા લોકસભા સમક્ષ રજુ કરવામાં આવેલા આવેલા ડેટા અનુસાર, 2019માં 8,415 કેસ નોંધાયા હતા, જે 2020માં વધીને 10,405 અને 2021માં 10,730 થયા હતા.
સંસદમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે પોલીસ અને જાહેર વ્યવસ્થા એ રાજ્યનો વિષય છે. રાજ્યો તેમની લો એન્ફોર્સમેન્ટ એજન્સી(LEAs)ઓની મદદથી મહિલાઓ સામેના સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓના નિવારણ, શોધ, તપાસ અને કાર્યવાહી માટે જવાબદાર છે. કેન્દ્ર સરકારે મહિલાઓ સામેના સાયબર ક્રાઇમ અંગે કાર્યવાહી કરવા રાજ્યોને મદદ કરવા પગલાં લીધાં છે.