આંદામાનના ૨૧ અનામી ટાપુઓને વીર સૈનિકોનાં નામ અપાયાં
નેતાજી સ્મારકના મોડલનું વડા પ્રધાન દ્વારા ઉદ્ઘાટન
પોર્ટ બ્લેર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી આંદામાન-નિકોબાર ટાપુ પર સ્થાપવામાં આવનારા નેતાજી સુભાષચંદ્ર સ્મારકના મોડલનું ઉદ્ઘાટન કર્યું હતું. સોમવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતી નિમિત્તે તેમના સ્મારકના મોડલનું ઉદ્ઘાટન કરતી વેળા વડા પ્રધાને જણાવ્યું હતું કે આ સ્મારક દેશના નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાવશે. વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં વડા પ્રધાને કેન્દ્રશાસિત આંદામાન-નિકોબારના ૨૧ ટાપુઓને પરમવીર ચક્ર પ્રાપ્ત કરનારા વીર સૈનિકોનાં નામ આપ્યા હતા. જે વીર સૈનિકોનાં નામ ટાપુઓને અપાયાં છે, તેમાં મેજર સોમનાથ શર્મા, લેફ્ટનન્ટ કર્નલ (એ વખતના મેજર) ધનસિંહ થાપા, સૂબેદાર જોગિંદરસિંહ, મેજર શૈતાનસિંહ, કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ, સેક્ધડ
લેફ્ટનન્ટ ખેતરપાલ અને ફ્લાઇંગ ઑફિસર નિર્મલજિત સેખોનનો સમાવેશ છે.
આ પ્રસંગે સંબોધનમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે આજે આંદામાનના નાગરિકોને સંબોધન કરતાં હું ગર્વ અનુભવું છું, કારણ કે વર્ષ ૧૯૪૩માં નેતાજી સુભાષચંદ્ર બોઝે પહેલી વખત આંદામાનની ભૂમિ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પરમવીર ચક્ર એનાયત કરાયેલા જે વીર સૈનિકોનાં નામ ૨૧ ટાપુઓને અપાયાં છે, એ તમામના જીવન અને રણમેદાનમાં વીરતા દેશના નાગરિકો અને ભાવિ પેઢી માટે પ્રેરણાદાયી છે. આઝાદીની લડતમાં નેતાજીના પ્રદાનને ઝાંખું પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આજે દિલ્હીથી બંગાળ અને બંગાળથી આંદામાન-નિકોબાર સુધીના નાગરિકો એ મહાનાયકને શ્રદ્ધાંજલિ આપે છે. નેતાજીની ફાઇલ્સ સાર્વજનિક કરવાની માગણી લાંબા વખતથી કરવામાં આવતી હતી. એ નેતાજી ફાઇલ્સને ડિક્લાસીફાય કરવાનું કામ અમારી સરકારે કર્યું છે.
આંદામાન-નિકોબારના જે રોસ આઈલૅન્ડને વર્ષ ૨૦૧૮માં નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ અપાયું હતું, એ ટાપુ પર તેમનું સ્મારક બંધાશે. તેમાં મ્યુઝિયમ, કૅબલ કાર રોપવે, લેસર ઍન્ડ સાઉન્ડ શૉ, થીમ બૅઝ્ડ ચિલ્ડ્રન્સ એમ્યુઝમેન્ટ પાર્ક, રેસ્ટ્રો લૉન્જ વગેરેનો સમાવેશ છે. અગાઉ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે ૨૧ ટાપુઓના નવા નામકરણને બિરદાવ્યું હતું. તેમણે અનેક સ્વાતંત્ર્ય સૈનિકોને જ્યાં કેદમાં રાખવામાં આવ્યા હતા, એ સેલ્યુલર જેલને ‘યાત્રા ધામ’ સમાન ગણાવી હતી. (એજન્સી)