બાળપણથી એટલા બધા દુઃખોનો બોજો ઉઠાવ્યો છે કે હવે કોઈ બીજો બોજો ઉઠાવવાની હિંમત નથી રહી… આ ભલે એક ડાયલોગ છે સૂર્યવંશમ ફિલ્મનો પણ દર્શકો પણ હવે આ ડાયલોગ સાથે રિલેટ કરવા લાગ્યા છે, કારણ કે સોની મેક્સ ચેનલ પર તમે જ્યારે જુઓ ત્યારે આ જ ફિલ્મ ચાલતી હોય છે. ફિલ્મમાં ઠાકુર ભાનુ પ્રતાપ ઝેરવાળી ખીર ખાઈને પાછા સાજા થઈ જાય છે પણ દર્શકો માટે આ ફિલ્મ જ હવે ઝેરી અને માથાનો દુઃખાવો બની ગઈ છે. દર્શકો આ ફિલ્મ જોઈજોઈને એટલા બધા કંટાળી ચૂક્યા છે કે ના પૂછો વાત…
એક કંટાળેલા દર્શકે તો ટીવી ચેનલને ફરિયાદ કરતો પત્ર સુધ્ધાં લખી નાખ્યો છે. આ પત્ર લખનારે ટીવી ચેનલને ત્રણ સવાર કર્યા છે કે તમારી ચેનલ અત્યાર સુધી કેટલી વખત આ ફિલ્મ ટેલિકાસ્ટ કરી ચૂકી છે,બીજું કે ભવિષ્યમાં તમે કેટલી વખત આ ફિલ્મ હજી દેખાડવાના છો અને ત્રીજું એટલે કે આ ફિલ્મ જોઈ જોઈને જો તેની અમારા મગજ પર વિપરીત અસર જોવા મળે તો એ માટે જવાબદાર કોણ રહેશે?
ચેનલ તો આ સવાલોના જવાબ ક્યારે આપશે એ તો નથી ખબર પણ અહીં અમે આ સવાલોનો જવાબ આપવાનો પ્રયાસ કરીએ છીએ-
પહેલાં સવાલનો જવાબ કેટલી વખત આ ફિલ્મ કેટલી વખત ટીવી પર દેખાડવામાં આવી છે તો એનો જવાબ તો કદાચ ચેનવાળા પાસે પણ નહીં હોય. પરંતુ જો કેલક્યુલેટ કરીએ તો ફિલ્મ 21મી મે, 1999માં રિલીઝ થઈ હતી અને સોની મેક્સ ચેનલ આવી હતી 20મી જુલાઈ, 1999માં. હવે રીલીઝ બાદ તો કોઈ ફિલ્મ તરત જ ટીવી પર ના દેખાડવામાં આવી હોય. એકાદ વર્ષ બાદ પણ જો આ ફિલ્મ ટીવી પર દેખાડવામાં આવી હોય તો 22 વર્ષ તો પકડીને ચાલીએ. 22 વર્ષના 12 મહિના અને 12 મહિનાના 52 અઠવાડિયા… હવે આ એકદમ એવું છે ઘાસની ગંજીમાં સોઈ શોધવી…
બીજા સવાલનો જવાબ છે કે આ ફિલ્મને હજી કેટલી વખત ટેલિકાસ્ટ કરવામાં આવશે તો એનો જવાબ સોની મેક્સનાં માર્કેટિંગ હેડ વૈશાલી શર્માના હવાલાથી આપીએ તો સૂર્યવંશમ ફિલ્મના 100 વર્ષના રાઈટ્સ ચેનલ દ્વારા ખરીદવામાં આવ્યા છે એટલે 2099 સુધી આ ફિલ્મ ટેલિકાસ્ટ થશે. એટલે એ વાત તો સ્પષ્ટ છે કે આવનારા વર્ષોમાં પણ આ ટોર્ચર બંધ નથી થવાનું. માત્ર આપણે જ નહીં આવનારી અનેક પેઢીઓએ આ ત્રાસ સહન કરવો પડશે….
ત્રીજા સવાલનો જવાબ ખૂબ જ સિમ્પલ છે જો તમને માનસિક ત્રાસ થતો હોય તો રિમોટ ઉપાડો અને ચેનલ બદલી નાખો, માનસિક રીતે બીમાર પડવાની કોઈ જ જરુર નથી…