વર્ષ 2022ને આવજો કહેવા અને વર્ષ 2023ને આવકારવા સૌ થનગની રહ્યા છે ત્યારે ગયા વષર્ની એવી ઘણી ઘટનાઓ છે જે આવનારા વર્ષ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે. ગુજરાતમાં જોઈએ તો ડિસેમ્બર મહિનાની ઘટનાને જ સૌથી ટોપ પર સ્થાન મળી શકે તેમ છે. ભારતીય જનતા પક્ષે વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક પર વિજય મેળવી ઈતિહાસ રચ્યો. 37 વર્ષ પહેલાનો કોંગ્રેસને 1985માં 149 બેઠક પર વિજય મેળવવાનો રેકોર્ડ તોડી નાખ્યો. કોંગ્રેસને માત્ર 17 બેઠક મળી અને વિરોધપક્ષના દરજ્જા માટે પણ ફાંફાં મારવા પડ્યા. જોકે તે પહેલા પણ ગુજરાતનું રાજકારણ અને સરકાર ચર્ચામાં રહી. તેમાં આમ આદમી પક્ષની એન્ટ્રી રાજકારણમાં ગરમાટો લાવી. ઓક્ટોબરમાં મોરબીમાં બનેલી પુલ હોનારતે સૌને રડાવ્યા. 135 જણના ગયેલા જીવ અને તે બાદ સરકાર અને ઓરેવા કંપનીની બેદરકારીએ ગુજરાતના વિકાસ મોડેલની પોલ ખોલી. એ પહેલા રખડતા ઢોરની સમસ્યાને લઈ ગુજરાત સરકાર ભારે બદનામ થઈ. આ સાથે વિવિધ સંગઠનોના આંદોલન અને પરીક્ષાના પેપર ફૂટવાની ઘટનાઓ લાંબા સમય સુધી રાજ્યના અખબારોમાં ચમકતા રહ્યા. જુલાઈમાં થયેલો લટ્ઠા કાંડ અને છાશવારે ગુજરાતમાંથી મળી આવતું કરોડોનું ડ્રગ્સ પણ ટીકાને પાત્ર બન્યા. પોઝીટીવ સાઈડ જોઈએ તો ભૂતપૂર્વ યુકે પ્રમુખ બોરીસ જોન્સન બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે એપ્રિલમાં આવ્યા. બે મોટા પ્રોજેક્ટ વેદાંતા ફોક્સકોન અને ટાટા મોટર્સ ગુજરાતમાં રોકાણ કરવા તૈયાર થયા. આ બન્ને પ્રોજેક્ટ્સ મહારાષ્ટ્રમાંથી આવ્યા હોવાથી રાજકારણ પણ ગરમાયું. તો ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના બીજા ક્રમાંકના ધનવાન ઉદ્યોગપતિ જાહેર થયા. સ્પોર્ટ્સમાં સૌથી મોટી ઘટના જોઈએ તો ગુજરાત ટાઈટને આઈપીએલ ટ્રોફી પહેલીવાર પોતાના નામે કરી. આ સાથે સુરતનો હરમિત દેસાઈ વિશ્વના સો ટેનીસ પ્લેયરની યાદીમાં આવ્યો. ભાવિના પટેલ અને સોનલ પટેલે પેરાટેબલ ટેનિસ કોમન વેલ્થ ગેમ્સમાં પદકો મેળવ્યા.
2002ના કોમી રમખાણો ગુજરાતનો 20 વર્ષ બાદ પણ પીછો છોડતો નથી. આ કેસમાં સંકળાયેલા સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને નિવૃત પોલીસ અધિકારી આર.બી. શ્રીકુમારની ધરપકડ થઈ અને કેસ ચાલ્યો. સપ્ટેમ્બર અને નવેમ્બરમાં અનુક્રમે તેઓ જેલ બહાર નીકળયા. તો બીજી બાજુ બિલ્કિસ બાનો કેસમાં ગુજરાત સરકારના નિર્ણયની ચોમેરથી ટીકા થઈ. આ કેસના 11 આરોપીને આજીવન કેદ મળી હોવા છતાં તેમને રિમિશન પોલીસી પર છોડી દેવાના સરકારના નિર્ણયને બાનોએ પડકાર્યો અને વિપક્ષોએ વખોડ્યો. હજુ આ કેસ સુપ્રીમમાં ચાલે છે.
દુઃખદ ઘટનાઓ જોઈએ તો વિદેશ જવાની ઘેલછામાં બે પરિવાર વિખેરાયા. વર્ષની શરૂઆતમાં જ ડીંગુચાના પટેલ પરિવારના બે બાળકો સહિત ચાર જણ કેનેડા ખાતે ઠંડીમાં થીજીને મૃત્યુ પામ્યા. ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા આ પરિવારના ભયાનક મોતથી સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ કાંપી ઉઠ્યા. તો વષર્ના અંતમાં ડીંગુચાથી થોડે દૂર રહેતા યાદવ પરિવારે પણ આવો જ કાળ જોયો. અહીં મુળ ઉત્તર પ્રદેશના વતની યાદવ પરિવારના પતિ અને પત્ની સંતાન સહિત કેનેડા-અમેરિકાની સરહદ પાર કરી રહ્યા હતા ત્યારે બન્ને દિવાલ પરથી અલગ અલગ દેશમાં પટકાયા અને પતિનું મોત થયું. આ બન્ને ઘટનાઓએ ગેરકાયદે વિદેશ જવાના રેકેટનો પણ પર્દાફાશ કર્યો.
હવામાનની દૃષ્ટિએ પણ આ વર્ષ ગુજરાત માટે ખાસ રહ્યું. બારમી મેએ અમદાવાદમાં 46 સેલ્સિયસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા છ વર્ષમા મે મહિનાનો સૌથી ગરમ દિવસ સાબિત થયો અને આ જ વર્ષમા અમદવાદમાં ઓગષ્ટ મહિનામાં 24 કલાકમાં 39 મીલીમીટર વરસાદ વરસ્યો, જેણે શહેરને જળબંબાકાર કરી દીધું. ફિલ્મોના ક્ષેત્રમાં જોઈએ તો ગુજરાતી ફિલ્મ છેલ્લો શોએ ઓસ્કારમાં એન્ટ્રી મેળવી. આ વર્ષે 21મું ટિફિન, ફક્ત મહિલાઓ માટે, ઓમ મંગલમ સિંગલમ જેવી ફિલ્મોએ ઠીકઠીક પ્રસંશા મેળવી.
ગુનાખોરીના ઘણા હૃદય કંપાવી દેતા કિસ્સા બહાર આવ્યા, જેમાં અમદાવાદના નિવૃત અધિકારી નિલેશ જોશીએ દારૂની લતથી કંટાળેલા દિકરા સ્વયમના નાના નાના ટૂકડા કરી નાખ્યા હતા. જોકે તેઓ પકડાઈ ગયા હતા. તો સુરતમાં એકતરફી પ્રેમી એવા ફેનીલે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની સરેઆમ ગળુ ચીરી હત્યા કરી હતી. આ ભયાવહ કિસ્સો આજે પણ હચમચાવી નાખે તેવો છે. 2022 ચૂંટણીનું વર્ષ હોવાથી ગુજરાતમાં સતત રાજકીય ગરમાવો રહ્યો ત્યારે હવે નવી સરકાર સાથે નવું વર્ષ જનતા માટે શું લઈને આવશે તે જોવાનું રહ્યું.
આવજે વર્ષ 2022ઃ ગુજરાતમાં શું શું ગાજ્યુ
RELATED ARTICLES