Homeસ્પેશિયલ ફિચર્સમુંબઈ સમાચારનાં ૨૦૦ વર્ષ, શૂન્ય પાલનપુરીનાં ૧૦૦ વર્ષ

મુંબઈ સમાચારનાં ૨૦૦ વર્ષ, શૂન્ય પાલનપુરીનાં ૧૦૦ વર્ષ

ચરણ પ્રથમ

મુંબઈ સમાચાર દ્વિશતાબ્દી મહોત્સવ ‘રોમેરોમ ગુજરાતી અભિયાન’ અંતર્ગત

ભરત પટેલ

રવિવારની સાંજે ચોપાટી વિસ્તાર ખૂબ જ આહ્લાદક અને શાયરાના હતો, કારણ કે એ સમયે કદાચ શૂન્યભાઈનો દૈવીઆત્મા ભારતીય વિદ્યાભવનમાં એમને મળવા આવનાર દરેક શ્રોતાને પ્રેમથી મળ્યો હતો. ઠંડા પવનની લહેરખીઓ પ્રિયતમ અને પ્રેયસીઓના વાળ ફરફરાવી રહી હોય એવા ખુશનુમા વાતાવરણમાં ‘મુંબઈ સમાચાર’નાં ૨૦૦ વર્ષ અને શૂન્યભાઈ પાલનપુરીનાં ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરને ઉજવતા ‘મુંબઈ સમાચાર’ના ‘રોમેરોમ ગુજરાતી અભિયાન’ હેઠળ ‘સાત સ્મરણ મુશાયરા’ના પ્રથમ ચરણની દબદબાભેર શરૂઆત શોભિત દેસાઈ (સારથિ)એ મુંબઈ સમાચારના તંત્રી નીલેશભાઈ દવેનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રથમ શોભિતભાઈએ શૂન્ય પાલનપુરી વિશેની સંપૂર્ણ માહિતી આપી હતી અને ત્યારબાદ તેમણે શૂન્ય પાલનપુરીને અર્પણ કરેલી પોતાની નીચે દર્શાવેલી ગઝલથી મુશાયરાની કમનીય શરૂઆત કરી હતી.
——
હવા ઓળખે છે
નિરાકાર થઈને ગગન ખૂંદવાનો મને ગર્વ છે બહુ હવા ઓળખે છે
સદાકાળ ચાહ્યું છે શુભ મેં ગઝલનું મને એટલે શ્રી સવા ઓળખે છે

પ્રયોજું છું હું મારી બાની છતાં તમને લાગે તમારી જ ભાષા મળી ગઈ
તરી આવું છું એટલે તો હું જુદો, મને રૂપ કૈં જૂજવાં ઓળખે છે

લવરમૂછિયા જો પૂછે તો કહું, કેમ કહેવું નર્યું સત્ત્વ મોઘમ રહીને
કદી પણ ન મંજૂર છે હાથચાલાકી સહેજે, મને ક્યાં નવા ઓળખે છે?

જરા કોઈ સમજાવો જઈને તબીબોને; ‘ઉપચાર છે સૌ નકામા તમારા’
દરદ જાનલેવા ને પૂરી ખબર છે કે છે મોત એની દવા, ઓળખે છે

નથી સાવ આવી ગઝલ એમની એમ બુલબુલના કંઠેથી ગુજરાતમાં કંઈ
મેં ખેડ્યું છે સહરા, ઉગાડ્યાં છે ફૂલો, સહ્યો છે સૂરજ, ઝાંઝવા ઓળખે છે.
——–

શૂન્ય સ્મરણ મુશાયરામાં ગુજરાતના દરેક પ્રાંતનું પ્રતિનિધિત્વ કરે એવી રીતે શાયરોની પસંદગી થઈ હતી. મૂળ મુંબઈના પણ હાલ બોસ્ટન નિવાસી ચંદ્રકાંત શાહ (ચંદુ), બીલીમોરાથી હર્ષવી પટેલ, સુરતથી ગૌરાંગ ઠાકર, વડોદરાથી રાકેશ સાગર, અમદાવાદથી ભાવેશ ભટ્ટ અને સાવરકુંડલાથી ભરત વિંઝુડાએ પોતાની કવિતા અને ગઝલોથી મુશાયરાને શોભાયમાન કરી. બે શાયરોની વચ્ચે સંચાલનની જગ્યા શોભિત દેસાઈએ શૂન્ય પાલનપુરીની અત્યંત ઋજુ, રેશમી, ભવ્ય, ભાતીગળ ગઝલોથી પૂરી, અને કેવી ગઝલો! હજી આજે પણ અને આવનારી સદીઓ સુધી ગુજરાતી ભાષાને અને ગુજરાતી ગઝલના ચાહકોને ગર્વ થાય એવી શૂન્ય પાલનપુરી કેટલીક ગઝલો…
હરદમ લથડતા શ્ર્વાસ વધુ ચાલશે નહીં,
આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં,
લાગે છે શૂન્ય મૌનની સરહદ નજીક છે,
વાણીનો આ વિલાસ વધુ ચાલશે નહીં.
જીવનમાં જો કે આ પ્રલોભન અનેક છે.
જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે.
પાંપણ ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી
સૌંદર્યની હજુરે પ્રણયનો વિવેક છે.
અમર પંખી! પરમ સદ્ભાગ્ય કે પિંજર મળ્યું નશ્ર્વર,
ખુશીથી દર્દ માણી લે ઘડીભરની જુદાઈ છે.
જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું; મિલકત પરાઈ છે.
ઉમ્મર ખૈય્યામની રૂબાઈને શૂન્ય પાલનપુરીએ કરેલો ભાવાનુવાદ:
ઓ પ્રિયે! પરિકરના જેવું આ જીવન છે આપણું,
બે જુદાં શિર છે છતાં પણ એક તન છે આપણું,
વર્તુળો રચવા સુધીની છે જુદાઈની વ્યથા,
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું.
દરેક શેર અને પંક્તિઓની પાણીદાર રજૂઆત, સાક્ષાત શૂન્ય પાલનપુરી સાથેના અંગત સ્મરણ અને અંગ્રેજીમાં બહુ જ સુંદર શબ્દ છે: Stage Presence, શોભિત દેસાઈના આ ત્રણેય, તે દિવસે જોતાં, અનુભવતાં, એક વાતની સો ટકા પ્રતીતિ ઓડિયન્સમાં દરેકને થઈ હતી કે શોભિત અત્યારે શૂન્ય પાલનપુરી સાથેના એમના હયાતી દરમિયાનના સમયમાં વહી ગયા છે. સમગ્ર કાર્યક્રમની આવી ભવ્ય સફળતા જોયા, અનુભવ્યા, વિચાર્યા બાદ એક વાતની ચોક્કસ ખાતરી થઈ જાય છે કે ગુજરાતી ભાષાને સહેજ પણ હાની પહોંચી નથી, માત્ર ગુજરાતી ભાષાને થોડોક આરામ કરવાની ફરજ પાડવામાં આવી હતી એ ફરજમાંથી ગુજરાતી ભાષાને મુક્તિ અપાવવાનું કામ ‘મુંબઈ સમાચાર’ દ્વારા થયું છે. આવી સુંદર પ્રવૃત્તિ જેટલી વધારે ગુજરાતી સમાજ અને ગુજરાતી ચાહક વર્ગ દ્વારા થાય એટલા વધારે ઉજળા દિવસો ગુજરાતી ભાષાના આવવાના છે એવું બહુ જ ખાતરીપૂર્વક કહી શકાય. મુંબઈ સમાચારને, કામા શેઠને અને સમગ્ર તંત્રી વિભાગના નેતા નીલેશભાઈ દવેને અભિનંદન આપતા કેટલાયે શ્રોતાઓ બોલી ઊઠ્યા કે મુંબઈ સમાચાર અમારા ‘રોમેરોમ’માં વસેલું છે અને એટલા માટે જ જ્યારે પણ અમે રોમેરોમ અભિયાનના કોઈપણ કાર્યક્રમમાં આવીએ છીએ ત્યારે અમારી રગોમાં લોહીનું વહેવું કોઈક અલગ જ ઝડપ પકડી લે છે. સૌ વાચકમિત્રો, શુભેચ્છકોને મુંબઈ સમાચાર ખૂબ જ હૃદયપૂર્વક આભારની લાગણી પ્રદર્શિત કરે છે.
————

ધૂંઆધાર કલમનવાઝો મુશાયરાને અદ્ભુત ઊંચાઈએ લઈ ગયા, એ સાતેસાતના ઉત્તમ શેર

હર્ષવી પટેલ (બીલીમોરા)

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.
——–
ચંદ્રકાંત શાહ (ચંદુ) (મુંબઈ-બોસ્ટન)

રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઇચ્છાથી
પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું
ડેનિમ આકાશ જરા વેતરીને, માપસર કાતરીને, સ્ટોનવૉશ ધોઈ કરી
લેધરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ.
——–
શોભિત દેસાઈ (સારથિ) (મુંબઈ)

કરું છું આ ક્ષણે શતરંજ રમવાના વિચારો હું,
જીતું તો મેળવું તમને, જો હારું તો તમારો હું.

સદા શું યોગ્યતાઓ માગણીની માપતા રહેવું?
છે તારો ધર્મ કેવળ એટલો કે આપતા રહેવું.
——-
ગૌરાંગ ઠાકર (સુરત)

કૂદવાનું ને સળગતી રીંગ છે;
જિંદગી છે, કે કોઈ રેગીંગ છે?
આવતા જન્મે જ જોજે, તું કમાલ;
આ વખત જીવું છું એ ટ્રેનીંગ છે.

ટોચની આ કલ્પના ક્યાં તળ વગર?
શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર?
છાપ સિક્કાની મને બન્ને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર.
——
રાકેશ સાગર (વડોદરા)

તમારા નયનથી તડીપાર થઈને,
જવું ક્યાં? બતાવો ગુનેગાર થઈને.

ઉતારી શકું થાક અઠવાડિયાનો,
તું આવી શકે જો રવિવાર થઈને.
——
ભાવેશ ભટ્ટ (અમદાવાદ)

ધબકતા, શ્ર્વાસ લેતા પૂતળાં જોવાની આદત છે
ને પાછા એક બે નહિ, કાફલા જોવાની આદત છે

નરકનો સાણસો જોઈને તો હસવું ન રોકાયું
મને તો કેવા-કેવા સાણસા જોવાની આદત છે.
—–
ભરત વિંઝુડા (સાવરકુંડલા)

આ જગા વૃક્ષ વાવવાની છે?
કે પછી ઘર બનાવવાની છે ?

મારી પહેલી ને આખરી ઈચ્છા,
તારી ઇચ્છાઓ જાણવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular